Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કોંગ્રેસે શરૂ કર્યુ સદસ્યતા અભિયાન

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી સંગઠન ચુંટણીની દિશામાં પગલું

નવી દિલ્હી, તા.૨: કોંગ્રેસે છેવટે પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી પક્ષના સભ્યપદ અભિયાનની શરૂઆત કરીને સંગઠનની ચુંટણીની દિશામાં પહેલું કદમ ઉઠાવ્યું છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં પક્ષના સતત નબળા થયેલા જનાધારના પડકારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સદસ્યતા અભિયાનને રેકોર્ડ સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. પક્ષે આના માટે પોતાના રાજય એકમોને લોકોને કોંગ્રેસ અને તેની વિચારધારા સાથે જોડવા માટે ખાસ અભિયાન ચલાવવાની સૂચના પણ આપી છે. સદસ્યતા અભિયાન પુરૂ થયા પછી ઔપચારિક રીતે સંગઠન ચુંટણીની પ્રક્રિયા શરૂ થશે, જેમાં કોંગ્રેસના નવા અધ્યક્ષની પણ ચુંટણી થશે.

કોંગ્રેસના બધા રાજય એકમોએ પહેલી નવેમ્બરથી શરૂ થયેલ સદસ્યતા અભિયાનને ગતિ આપવા રાજયના મુખ્ય નેતાઓ સાથે બેઠક કરીને લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવાની રણનીતિની ચર્ચા કરી. સદસ્યતા અભિયાન હેઠળ કોંગ્રેસનો વૈચારિક જનાધાર વધારવા પર ખાસ ધ્યાન અપાશે. પક્ષના વર્તમાન પડકારો વચ્ચે એવું અનુભવાઇ રહ્યું છે કે વૈચારિક આધાર નબળો પડવાથી કોંગ્રેસને રાજકીય નુકશાન થયું છે.

કોંગ્રેસનું સદસ્યતા અભિયાન પાંચ મહિના સુધી ચાલશે અને ૩૧ માર્ચ સુધીમાં સક્રિય સભ્યોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચાડવા માટે ઓનલાઇન સદસ્યતા પર ભાર મૂકાશે. દારૂનું સેવન નહી કરવાની, સીલીંગની લીમીટથી વધારે જામીન જાયદાદ નહીં રાખવાથી માંડીને ઉચ્ચ નૈતિક આચરણના માપદંડનું પાલન કરવાની ઘોષણા સાથે પાંચ રૂપિયા આપીને કોંગ્રેસનું સભ્યપદ મેળવી શકાશે. સદસ્યતા અભિયાન પુરૂ થયા પછી એપ્રિલ મેમાં બ્લોક, જીલ્લા સ્તરની સંગઠન ચુંટણીઓ કરાશે. સપ્ટેમ્બરમાં કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી થશે. નવા અધ્યક્ષ ચુંટાયા પછી આવતા વર્ષે ઓકટોબરમાં પક્ષના મહાઅધિવેશન દરમ્યાન વર્કીગ કમીટીના સભ્યોની ચુંટણી કરાવવાની કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે.

(1:06 pm IST)