Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કલાઈમેટ સમિટમાં ઊંઘતા ઝડપાયા અમેરિકન પ્રમુખ બાઈડનઃ ચાલું સ્પીચમાં ઝોકે ચડયા

ગ્લાસગોમાં સોમવારે કલાઈમેટ સમિટ યોજાઈ હતી જેમાં વિશ્વના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી

લંડન, તા.૨: ગ્લાસગોમાં સોમવારે COP26 કલાઈમેટ સમિટ યોજાઈ રહી છે જેમાં વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો છે. અમેરિકન પ્રમુખ જો બાઈડન પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, સોમવારે શરૂ થયેલા આ કોન્ફરન્સની ઓપનિંગ સ્પીચ દરમિયાન ૭૮ વર્ષીય બાઈડન ઝોકે ચડી ગયા હતા.

ખુરશી પર અદબવાળીને આંખો બંધ કરીને બાઈડન ઊંઘી રહ્યા હતા તેવો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. બ્લુ શૂટમાં સજ્જ બાઈડન ખુરશીમાં બેઠા છે અને મોઢા પર બ્લેક કલરનું માસ્ક પહેરેલું છે. જોકે, આ દરમિયાન તેમની આંખો બંધ છે. એક વખત તો તેઓ જાતે જ આંખ ખોલે છે, પરંતુ થોડી જ વારમાં ફરીથી તેમની આંખો બંધ થઈ જાય છે.

તેઓ ઊંઘતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે, થોડી જ વારમાં તેનો મદદનીશ ત્યાં આવે છે અને બાઈડન જાગી જાય છે. બાઈડન તે શું કહે છે તે સાંભળે છે અને બાદમાં તાળીઓ સાથે ઓપનિંગ સ્પીકરને વધાવી લે છે. પરંતુ આટલા સમયમાં તો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

એક પત્રકાર પિયર્સ મોર્ગને લખ્યું હતું કે, જયારે તમે વિશ્વને જગાડવા માટેનું કહેવા ભેગા થયો છે ત્યારે આ યોગ્ય દેખાવ નથી. જોકે, બાઈડને પોતે કલાઈમેટ ચેન્જ પર ભાષણ આપ્યું હતું. પ્રમુખે કલાઈમેટ ચેન્જ અંગે કહ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કલાઈમેટ ચેન્જ માનવ જાત માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે જો આપણે એકજૂટ થઈશું તો આપણે ગ્લોબલ વોર્મિંગને ૧.૫ સેલ્સિયસ સુધી રાખવાનો લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.

કલાઈમેટ ચેન્જ અંગે તમામ સ્પીકર્સને ત્રણ મિનિટ બોલવાનો સમય આપ્યો હતો પરંતુ બાઈડન આ નિર્ધારીત સમય કરતા વધારે બોલ્યા હતા. તેઓ ૧૧ મિનિટથી વધુ સમય સુધી સ્પીચ આપી હતી.

(10:50 am IST)