Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મહબૂબા મુફ્તીને નજર કેદ કરાયા, ઘરનો મેઈન ગેટ બંધ કરાયો

પૂર્વ મુખ્યમંત્રીની શોપિયાંમાં જવાની યોજના હતી : મહબૂબા મુફ્તીની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે માટે મેઈન ગેટની સાથે જ બીપી વાહન પણ તૈનાત કરી દેવાયું

શ્રીનગર, તા. : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહબૂબા મુફ્તીને ફરી એક વખત નજરકેદ કરવામાં આવ્યા છે.

હકીકતે મહબૂબા મુફ્તીની સોમવારે શોપિયાં જિલ્લા ખાતે જવાની યોજના હતી. જોકે પોલીસે તે પહેલા તેમના ઘરના મેઈન ગેટને બંધ કરી દીધો હતો. મહબૂબાની ગતિવિધિઓ પર સંપૂર્ણપણે નજર રાખી શકાય તે માટે મેઈન ગેટની સાથે બીપી વાહન પણ તૈનાત કરી દેવામાં આવ્યું હતું.

મહબૂબા મુફ્તીને સુરક્ષાના કારણોસર શોપિયાં જવાની મંજૂરી નથી અપાઈ. મહબૂબાએ જમ્મુ કાશ્મીર પોલીસ અને ઉપરાજ્યપાલ પ્રશાસનને ઉદ્દેશીને ટ્વિટમાં લખ્યું હતું કે, ભારત નિશ્ચિતરૂપે તમામ લોકશાહીઓની જનની છે પરંતુ એક પૂર્વ બીજેપી ધારાસભ્ય વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ જે કાશ્મીરીઓના નરસંહારનું આહ્વાન કરે છે, જ્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર ફક્ત વિજેતા ટીમનો ઉત્સાહ વધારવા પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવે છે.

પીડીપી ચીફ મહબૂબા મુફ્તી સોમવારે શાહિદ અહમદ રાથરના ઘરે જવાની યોજના બનાવી રહ્યા હતા. શાહિદનું શંકાસ્પદ પરિસ્થિતિમાં ગોળી વાગવાથી મોત થયું હતું. તે મૂળે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને શોપિયાં ખાતે એક ખેડૂતના સફરજનના બગીચામાં દાડિયા તરીકે કામ કરતો હતો.

(12:00 am IST)