Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આશિષ કક્કડનું હાર્ટએટેકથી કોલકત્તામાં દુઃખદ નિધન

કોલેજકાળથી જ નાટ્યક્ષેત્રે રસ ધરાવતા આશિષ કક્કડની ફિલ્મ 'બેટર હાફ' એક માઇલ સ્ટોન

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ 'બેટર હાફ' સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડનું ર્હદય રોગના હુમલાને કારણે આજે કલકત્તા મુકામે દુઃખદ અવસાન થયું છે. આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કલકત્તા ગયા હતા, જે ૬ નવેમ્બરે પરત આવવાના હતા. આજે બપોરે તેમના દુઃખદ અવસાનના સમાચાર જાણીને સમગ્ર કલા જગત દુઃખની લાગણી અનુભવે છે.

પોતાના પારિવારિક કામ માટે આશિષ ભાઈ કલકત્તા ગયેલા અને પરિવાર સાથે ખુશ હતાં, તેમજ સ્વસ્થ પણ હતાં. બાદમાં ઊંઘમાં સિવિયાર હાર્ટ સ્ટ્રોક આવી જતાં તેમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી અંગત મિત્રો પાસેથી મળી રહી છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતી ફિલ્મા જગતના બે તારલા મહેશ- નરેશનું અવસાન થયું હતું. ત્યારે બાદ અચાનક આશિષ કક્કડ દુનિયા છોડીને જતા રહેતા ગુજરાતી ફિલ્મ જગતને મોટો ઝાટકો લાગ્યો છે

કોલેજકાળથી જ નાટ્યક્ષેત્રે રસ ધરાવતા આશિષને અભિનય કરતા બેકસ્ટેજ- લાઈટિંગ જેવી પ્રોડ્ક્શનની ઝીણી ઝીણી વાતોમાં વધુ રસ પડતો. પોતાના કૉલેજ કાળ દરમિયાન જ આશિષે એક શોર્ટ ફિલ્મ બનાવી, જેને ફિલ્મોના વિવિધ પાસાઓના જાણકારોએ બિરદાવતા તેમને અભિનય અને ફિલ્મોને ક્ષેત્રે આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'બેટર હાફ'થી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનાર આશિષ કક્કડ નાટક-ટીવી અને ફિલ્મો જેવા ત્રિવિધ માધ્યમમાં એમની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે.

(8:21 pm IST)