Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

હનુમાનજી પથ-પથ ઉપર આપે છે બોધપાઠ : પૂ. મોરારીબાપુ

મસુરીયા આયોજીત 'માનસ વાલ્મિકી' ઓનલાઇન શ્રીરામ કથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા.ર : 'હનુમાનજી પથ-પથ ઉપર સતત બોધપાઠ આપે છે' ધાર્મિક અને આધ્યાત્મિક વાતો અંતર્ગત તેમના કાર્યો અંગે પૂ. મોરારીબાપુએ મસુરી ખાતે આયોજીત 'માનસ વાલ્મિકીય' ઓનલાઇન શ્રીરામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, ગુરૂજીની તમે ગમે તેટલી સેવા કરો, પરંતુ તે કોઇના વશમાં ન થાય, ગુરૂ તો પોતાનામાં પણ વશમાં ન થાય તેમ જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથાના બીજા દિવસે કહ્યું હતું કે, દરેક સ્તુતિમાં ગુરૂપ્રધાન શરણાગતિના ભાવથી ભરેલી છે. અમુક સ્તુતિ પ્રાર્થનામાં વિરોધીઓને, આતતાયીઓને, બાધાઓને, મુશ્કેલીઓને મારવા દુરાસા ભરી હોય, એ તમો ગુણપ્રધાન સ્તુતિ છે, અમકુ સ્તુતિમાં કંઇક માંગીએ એ રજોગુણપ્રધાન છે, કોઇ સ્તુતિમાં સારા શબ્દો, વિનય, ખાસ છંદમાં થતી સ્તુતિ સત્વગુણપ્રધાન હોય છે પણ અહીં ગુરૂવંદના, અત્રિસ્તુતિ, રૂદ્રાષ્ટક, ભુશુંડિ રામાયણ, હનુમાન ચાલીસા ગુણાતિત છે. ત્રણે ગુણથી દૂર. ગોપીગીત, રામપંચાધ્યયી યુગલગીત, પ્રણયગીત, ભંવરગીત, ગોપીગીત વગેરેમા શરણાગતિનો ભાવ છે. ગુણાતિત ભાવ, એ શરણાગતિ છે. કોઇ સાધના-કોઇ બાધા નથી.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, રામચરિત માનસ એક છે. જેમ કહે કે લાખોમાં એક એમ સો કરોડમાં એક, બન્ને (વાલ્મિકી તુલસીદાસ) સ્વતંત્ર છે. રામ જન્મ પ્રસંગના કારણો કે રઘુવંશ વારસા પરંપરા વાલ્મિકીમાં વિસ્તારથી છે ઘણા પોતાની કથાઓ પુસ્તકોમાં માનસ શબ્દ લગાવી રહ્યા છે. સારૂ છે પણ જયાંથી લીધો એનું નામ પણ બોલાવું જોઇએ. બંન્ને મહાપુરૂષોના દર્શનો ભીન્ન છે. વિવિધતાનો પણ આનંદ છે પણ એમાં ઠાકુર (રામ) એક જ છે.

સંસ્કૃત ના પંડિત મમ્મટ ભટ્ટે કહ્યું છે કે, કલ્પના કરો. કલ્પન કરો પણ એવું કે જેનો વિરોધ ન થાય, જેની કોઇ ભૂમિકા હોય, જેની દૂરગામી ખોટી અસર સમાજ પર ન થવી જોઇએ. આજની નવી પેઢી કલ્પનાઓ કરી વાસ્તવિકતાથી દૂર થઇ રહી છે એના પર પણ પૂ. મોરારીબાપુએ ચિંતા વ્યકત કરી હતી.

૧૯મીથી ગોકુલ-મથુરામાં પૂ. મોરારીબાપુની ૧૧ દિવસ શ્રીરામકથાનું આયોજન

રાજકોટ, તા. રઃ પૂ. મોરારીબાપુના વ્યાસાસને તા.૧૯મીથી ગોકુળ-મથુરામાં ઓનલાઇન શ્રીરામ કથાનું આયોજન કરાયું છે.

શ્રી કૃષ્ણની બાળલીલા રમણરેતી ધામ ખાતે કોરોનો પ્રોટોકોલ નિયમો મુજબ સીમિત શ્રોતાઓ સાથે કદાચ પહેલીવાર અગિયાર દિવસીય ૮પ૧મી રામકથા મહાવન (ગોકુલ)-મથુરા ખાતે આગામી ૧૯ નવેમ્બરથી ર૯ નવેમ્બર દરમ્યાન યોજાવા જઇ રહી છે.

(3:39 pm IST)