Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ખેડૂતોએ માંગી મંડી મોદીએ પકડાવી દીધી ભયંકર મંદી

રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

નવી દિલ્હી, તા.૨: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દે સતત વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યા છે અને હુમલાઓ કરી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વધુ એકવાર તેમણે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે.

દેશના વિવિધ સ્થળો પર ખેડૂતો નવા કાયદા મુદ્દે આંદોલન કરી રહ્યા છે ત્યારે વિપક્ષ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. ખેડૂતોની સાથે રાહુલ ગાંધીએ ટ્રેકટર રેલીઓ પણ યોજી હતી ત્યારે ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે દેશના ખેડૂતોએ માંગી હતી મંડી અને પીએમ મોદીએ પકડાવી દીધી ભયંકર મંદી.

દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્ર મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે અને બીજી તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ પહેલા છત્ત્।ીસગઢના એક કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નવા કાયદાઓ ખેડૂતો, શ્રમિકો અને દેશના પાયાને કમજોર કરી નાખશે અને મને આશા છે કે પીએમ મોદી આ નવા કાયદા પર પુનર્વિચાર કરશે.

નોંધનીય છે કે દેશભરમાં બટાટા-ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે દેશના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગત સપ્તાહે જ કહ્યું હતું કે ડુંગળીની વધતી કિંમતોથી છૂટકારો મેળવવા માટે એક લાખ ટન બફર સ્ટોક જાહેર કરવા સહીતના કેટલાય પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ડુંગળીની કિંમતોનો મુદ્દે સરકારના ધ્યાનમાં છે અને અમે સમય પહેલા જ દેશમાંથી ડુંગળીમાંથી નિકાસ પર રોક લગાવી હતી જયારે આયાતના રસ્તા ખોલ્યા છે.

(3:38 pm IST)