Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સોશિયલ મીડિયામાં બાબાના નામ ઉપર પૈસા પડાવનાર ગૌરવ વાસન સામે કેસ દાખલ

યુટયુબમાં વાયરલ થતાં વિડીયો સિનિયર સીટીઝન માટે બની શકે છે માથાનો દુખાવો

નવીદિલ્હીઃ ઈન્ટરનેટ દ્વારા ફેમસ બનેલા દિલ્હીના 'બાબા કા ઢાબા'ના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાબાનો આરોપ છે કે તેમના નામ પર જે પૈસા મળ્યા તેમાં હેરાફેરી થઈ છે અને જેટલા પૈસા એકઠા થયા તે 'બાબા કા ઢાબા' માલિકના કાંતા પ્રસાદ સુધી નથી પહોંચ્યા. યુ-ટ્યુબર ગૌરવ વાસને એક વિડીયો પોસ્ટ કરીને રાતોરાત બાબાને લોકપ્રિય લાવી દીધા હતા. હવે આ જ યુ-ટયુબર ગૌરવ વાસન વિરૂદ્ઘ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

૮૦ વર્ષના કાંતા પ્રસાદનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયા બાદ લોકપ્રિય થઈ ગયો હતો. તે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો, જેમાં તેમણે લોકડાઉન દરમિયાન દુકાન પર ચાલી રહેલી આર્થિક તંગીને લઈને પોતાની વ્યથા બતાવી હતી. આ બાદ બાબા કા ઢાબા પર બીજા જ દિવસે લોકોની ભીડ ઉમડી પડી હતી અને તેમને ઓનલાઈન કેશ તરીકે મદદ મળવાનું શરૂ કરી દીધું. બાબાને ફિલ્મ જગતથી લઈને રાજકીય નેતાઓએ પણ મદદ આપવાની જાહેરાત કરી હતી. પોલીસમાં આપેલી પોતાની ફરિયાદમાં પ્રસાદે કહ્યું કે, વાસને તેમનો વિડીયો શૂટ કર્યો અને તેને ઓનલાઈન પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લોકોને પૈસા આપવાની અપીલ કરી.

આ ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, ગૌરવ વાસને જાણીને જોઈને માત્ર પોતાના પરિવાર/મિત્રોના બેંકની માહિતી અને મોબાઈલ નંબર શેર કર્યા અને ફરિયાદીને કોઈ જાણકારી આપ્યા વિના જ જુદી જુદી રીતે દાનની મોટી રકમ એકઠી કરી. આ પહેલા પણ ગૌરવ પર આરોપ લાગ્યો હતો, જે બાદ તેણે એક વિડીયોમાં શેર કરીને સ્પષ્ટીકરણ આપ્યું હતું અને બાબા સાથેનો વિડીયો શેર કર્યો હતો જેમાં તે તેમને ૨.૩૦ લાખનો ચેક આપતા દેખાયો હતો.

બીજી તરફ અન્ય યુ-ટ્યુબર લક્ષ્ય ચૌધરીએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કરીને ગૌરવ વાસનને લઈને દ્યણી બધી શંકાએ વ્યકત કરી છે. ગૌરવને બેંક ડિટેલ્સ પણ શેર કરવાની માગણી કરી હતી. જયારે ગૌરવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો નાખીને સ્પષ્ટીકરણ આપ્યું હતું અને તેમાં તેણે બેંક ડિટેલ્સ પણ આપી છે. જોકે આ ડિટેલ્સ કેટલી સાચી છે અને કેટલી ખોટી, તેની જાણકારી માત્ર પોલીસની તપાસમાં જ ખબર પડી શકશે.

(3:36 pm IST)