Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજકારણમાંથી સંન્યાસ લઇશ પણ ભાજપ સાથે કદી હાથ નહીં મિલાવું: માયાવતીએ કરી સ્પષ્ટતા

માયાવતીએ કહ્યું . મારા જીવતે જીવ ભાજપ સાથે કોઇ સંબંધ નહીં કરું

લખનૌ : મારી લડત સમાજવાદી પક્ષ સામે છે પરંતુ એનો અર્થ એવો નહીં કે હું ભાજપ સાથે જોડાણ કરીશ. મારા જીવતે જીવ ભાજપ સાથે કોઇ સંબંધ નહીં કરું એવી સ્પષ્ટતા બસપા પ્રમુખ માયાવતીએ કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે મારા 29 ઓક્ટોબરના નિવેદનને વિકૃત કરીને રજૂ કરવામાં આવ્યું હતું. મેં એવું કહ્યું નહોતું કે સમાજવાદી પક્ષને પાઠ ભણાવવા હું ભાજપ સાથે હાથ મિલાવીશ. આ તો મિડિયાનું અર્થઘટન હતું.

  તેમણે એવો દાવો કર્યો હતો કે સમાજવાદી પક્ષે દલિતોની વિરુદ્ધ કામ કર્યાં હતાં. સપાને એના કાવતરામાં હું સફળ નહીં થવા દઉં. વિધાન પરિષદની ચૂંટણીમાં સપાને હરાવવાના મુદ્દે માયાવતીએ કરેલા વિધાનની સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે મારા વિધાનને મારી મચડીને રજૂ કરનારો સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ મુસલમાનોને ભડકાવવા આવાં ષડ્યંત્રો રચી રહ્યા હતા. મુસ્લિમોને હૈયાધારણ આપતાં માયાવતીએ કહ્યું કે હું રાજકારણમાંથી સંન્યાસ લઇશ પરંતુ ભાજપ સાથે કદી હાથ નહીં મિલાવું એની તમે ખાતરી રાખજો.

તેમણે એવો દાવો કર્યો હતો કે હું સહેલાઇથી હાર માનનારી મહિલા નથી. બસપા રાજમાં હિન્દુ મુસ્લિમ વિરોધી એક પણ હિંસક બનાવ બન્યો નહોતો. સપાના રાજમાં સતત હિંસક તોફાનો થતાં રહ્યાં હતાં. હું કોઇ પણ ભોગે સમાજવાદી પક્ષના ઉમેદવારોને જીતવા નહીં દઉં.

(2:03 pm IST)