Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દિપીકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ ઘરમાંથી ડ્રગ્સ મળ્યા બાદ ૪ દિ'થી ગૂમ

એનસીબીએ બે વખત સમન્સ મોકલ્યા પરંતુ પત્તો મળતો નથી

મુંબઇ તા. ર :.. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ડ્રગ્સનું એન્ગ્લ સામે આવ્યા છે, જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પર પણ નશીલા પદાર્થની હેરાફેરી કરવાનો આરોપ છે. આ મામલામાં એન્ટિ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) એ કાર્યવાહી કરીને તેના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. જો કે તપાસ માટે બે વખત સમન્સ મોકલ્યા હોવા છતાં કરિશ્મા એનસીબીમાં નથી હાજર થઇ. તે ચાર દિવસથી અચાનક રહસ્યમય રીતે ગાયબ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

એનસીબીએ કરિશ્મા પ્રકાશના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યા બાદ તેની સામે ફરિયાદ નોંધાયા પછી તેની પુછપરછ કરવા માટે બે વખત સમન્સય મોકલ્યા હતાં. જો કે કરિશ્માનો કોઇ પત્તો ન લાગી રહ્યો હોવાનું એનસીબીના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કરિશ્માએ આ મામલામાં ધરપડકથી બચવા માટે આગોતરા જામીન માટેની અરજી કરી હોવાનું પણ કહેવાય છે.

એનસીબીની ટીમે ર૭ ઓકટોબરે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે આખો દિવસ કાર્યવાહી કરી હતી. તેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવતાં તેની સામે ગેરકાયદે નશીલા પદાર્થ રાખવાની ફરીયાદ પણ નોંધાઇ હતી. એનસીબીની કાર્યવાહી વખતે કરિશ્મા ઘરે નહોતી.

કરિશ્મા ઘરે ન હોવાથી એનસીબીએ તેના પરિવારજનોને સમન્સ મોકલ્યા હતાં,  પરંતુ તેમણે સ્વીકારવાની ના પાડી દીધી હતી. આથી તેમણે સમન્સ કરિશ્માના ઘરના દરવાજે ચોંટાડયા હતાં. જો કે આ વાતને ચાર દિવસ થઇ ગયા હોવા છતાં કરિશ્માએ કોઇ જવાબ આપ્યો ન હોવાથી તે ગાયબ થઇ ગઇ હોવાની શકયતા વ્યકત કરાઇ રહી છે. આથી તપાસમાં નવો વળાંક આવ્યો છે.

(12:53 pm IST)