Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સૌરાષ્ટ્ર-કચ્છની પ બેઠકોની પેટાચૂંટણીનો કાલે એલાન-એ-જંગ

વિધાનસભા ચૂંટણી માટે મોરબી,લીંબડી, ધારી, ગઢડા, કચ્છ-અબડાસામાં પ્રચારના ભુંગળા બંધઃ મતદારો માટે કોરોના મહામારીમાં હેન્ડ ગ્લોઝ ફરજીયાત

તસ્વીરમાં મોરબીમાં  મતદાન મથકોએ ઇવીએમ લઇ જવાની કામગીરી નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)

રાજકોટ તા. ર :.. સૌરાષ્ટ્ર-કચ્છની પ બેઠકોની પેટા ચૂંટણી માટે કાલે મતદાન થશે.

વિધાનસભાની મોરબી, લીંબડી, ધારી, ગઢડા, અને કચ્છના અબડાસામા પ્રચારના ભુંગળા બંધ થયા છે. કાલે મતદારો માટે કોરોના મહામારીમાં હેન્ડ ગ્લોઝ ફરજીયાત કરાયા છે.

કચ્છના અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી,  મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે જયંતિભાઇ પટેલ, ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસના મોહનભાઇ સોલંકી, ધારી બેઠકમાં ભાજપના જે. વી. કાકડિયા સામે કોંગ્રેસનાં સુરેશ કોટડિયા, લીંબડીમાં ભાજપના કિરીટસિંહ રાણા, સામે કોંગ્રેસના ચેતન ખાચર મેદાનમાં છે.

પક્ષપલ્ટુ ધારાસભ્યોનાં કારણે સૌરાષ્ટ્રની ખાલી પડેલી ચાર વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જાહેર પ્રચારના ભૂંગળા બંધ થતા મતદારોને રિઝવવા છેલ્લી ઘડીની ડોર ટુર ડોર પ્રચાર શરૂ કરાયો છે.

મોરબી ધારાસભા બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરની - કોંગ્રેસની જયંતિ પટેલ, ધારી બેઠકમાં ભાજપના જે. વી. કાકડીયા, કોંગ્રેસના સુરેશ કોટડીયા સામે ફાઇટ ટુ ફિનીશની જંગ જામી છે. આજે જાહેર પ્રચાર બંધ થતા જ અન્ય વિધાનસભામાંથી ચૂંટણી પ્રચારમાં આવેલા લોકોએ મતક્ષેત્ર છોડી દીધું છે અને આજે ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીના દાવપેચ શરૂ કરાયા છે.

મોરબી વિધાનસભા બેઠકમાં મતદન માટે ૪પ૪ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે અને ૩૦૧પ કર્મચારીઓની ફૌજ તૈનાત કરવામાં આવી છે. આવતીકલ સવારના ૭ વાગ્યાથી ર,૩૧,૪૬૭ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી ઉમેદવારનું ભાવી મતપેટીમાં કેદ થશે. ધારી વિધાનસભા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર થઇ રહી છે. મતદાન માટે ૩૭૭ બૂથ ઉભા કરાયા છે અને ર૦રર કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપવામાં આવી છે. કુલ ર,૧૭,૪૮૮ મતદારો મતદાન કરનાર છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ રાજયની ૮ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી વચ્ચે આવતીકાલે અબડાસામાં ચુંટણી પ્રક્રીયા પાર પાડવા કચ્છનું વહિવટીતંત્ર સજ્જ બન્યું છે. કુલ ૨.૩૪ લાખ મતદારો માટે ૪૩૧ મતદાન મથક ઉભા કરાયા છે. નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિના માર્ગદર્શન તળે ૨૫૦૦ જેટલો કર્મચારીઓનો સ્ટાફ મતદાન માટે ફરજ બજાવશે. મતદાન માટે ૯૫ એસટી બસો ફાળવાઇ છે. કોરોના ગાઈડલાઈન અનુસાર કર્મચારીઓ માટે માસ્ક, સેનેટાઇઝર અને હાથ મોજાની કિટ અપાઈ છે. મતદારોનું થર્મલ ગનથી તાપમાન માપી અને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ અપાશે. તે સાથે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મતદાન પ્રક્રીયા પાર પાડવા સુચના અપાઈ છે. જોકે, દિવ્યાંગ તેમ જ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫૦૦ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લીધું છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : ૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગજનોની સહભાગીતા વધે, ચૂંટણી દરમ્યાન તેઓને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને દિવ્યાંગ મતદારો જાગૃત બને તેમજ તેઓને તેમની દિવ્યાંગતા મુજબ કોઇ પરેશાની ન થાય તેવા શુભ આશયથી સમાજ સુરક્ષા ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : પેટા ચૂંટણીના મતદાનને માત્ર બે દિવસનો સમય બાકી છે ત્યારે આચાર સંહિતાના કારણે સભા સરદ્યસ રેલીઓના પડદ્યમ શાંત પડ્યા છે ત્યારે આખરી બે દિવસો ચૂંટણી પરિણામ અને મતદાતા ઉપર મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ધારી બગસરા ખાંભા વિસ્તારની અંદર ગામોગામ ખાટલા બેઠકોને મિટિંગોનો દોર શરૂ કરી પક્ષ પલટુ ધારાસભ્ય જેવી કાકડિયા ને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ખાસ સર્વ સમાજના યુવાનોને સાથે લઈ આ મીટીંગોનો દોર શરૂ થયો છે ત્યારે પાટીદાર વોટ બેંકની સાથે સાથે બીજા સમાજ મા પણ યુવાનોને જાગૃત કરી પક્ષ પલટો કરનાર ઉમેદવારને જાકારો આપવા માટે પાસ ટીમના ધાર્મિક માલવિયા, વિસાવદર પાસ ટીમ ના વીરેન્દ્ર રીબડિયા સહિત બગસરા પાસ ટીમના જગદીશભાઇ લુણાગરિયા, ઉપેન્દ્ર ગજેરા,તેમજ આખી ટીમ ચૂંટણીલક્ષી પરિણામમા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)  મોરબી : મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પડદ્યમ રવિવારે સાંજે શાંત પડી ગયા છે અને મંગળવારે સવારે પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે જેમાં મોરબી અને માળિયા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૨,૭૧,૪૬૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૫૬૩૫ યુવા ઉમેદવાર પ્રથમ વખત મતદાન કરીને લોકશાહી પર્વને ઉજવશે

૬૫ મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ ૪૧૨ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ૧૨૧ પુરક મતદાન મથક છે જયારે ૬૫ મતદાન મથકોનો ક્રીટીકલ શ્રેણીમાં સમાવેશ કરાયો છે જયારે મતદારોના આંકડા પર નજર કરીએ તો મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં ૧,૪૧,૮૫૭ પુરુષ મતદારો અને ૧,૨૯,૬૦૯ સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૭૧,૪૬૧ મતદારો નોંધાયેલા છે જેમાં ૧૮ થી ૧૯ વર્ષના ૫૬૩૫ જયારે ૨૦ થી ૨૯ વર્ષના ૬૧,૮૪૬, ૩૦ થી ૩૯ વર્ષના ૬૯,૧૬૦, ૪૦ થી ૪૯ વર્ષના ૫૦,૯૯૯ અને ૫૦ થી ૫૯ વર્ષના ૪૦,૪૮૫ મતદારો તેમજ વયોવૃદ્ઘ મતદારોમાં ૬૦ થી ૬૯ વર્ષના ૨૫,૩૫૮, ૭૦ થી ૭૯ વર્ષના ૧૨,૮૭૪ મતદારો, ૮૦ થી ૮૯ વર્ષના ૪૩૪૬ અને ૯૦ થી ૯૯ વર્ષના ૭૧૪ તો ૯૯ વર્ષથી ઉપરના ૫૨ મતદારો છે.

મોરબીના ઘૂંટું નજીકની પોલીટેકનીક કોલેજ ખાતેથી આજે ઈવીએમ મશીન ડીસ્પેચ શરુ કરવામાં આવ્યા હતા જે ત્રણ તબક્કે કરાયા હતા જેથી ભીડ એકત્ર ના થાય તે ઉપરાંત ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાન મથકો પર ૨૨૦૦ નો પોલીંગ સ્ટાફ ઉપરાંત ૯૦૦ આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે અને મતદાન મથકો પર કુલ ૪૦૦૦નો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે દરેક મતદાન મથકના મુખ્ય ગેટ પર આરોગ્યના બે કર્મચારી ઉપસ્થિત રહેશે જે હેન્ડ સેનેટાઈઝ ઉપરાંત માસ્ક ના હોય તેવા નાગરિકોને માસ્ક વિતરણ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પુરતી તકેદારી રાખશે અને મતદાન દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે તમામ સ્ટાફને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે તો આરોગ્ય ટીમો પણ સતત ફરજ પર હાજર રહીને નાગરિકોને સોશ્યલ ડીસટન્સ જાળવવા સહિતની કાળજી રાખશે.

(11:19 am IST)