Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપરઃ કોંગ્રેસ માટે વટનો સવાલ

કાલે ૮ બેઠકો માટે પેટાચૂંટણીઃ આજે કતલની રાત

ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં: આજે રાત્રે ઘડાશે જીતવાની આબાદ 'રણનીતિઃ કાલે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાનઃ ૧૦મીએ મતગણતરીઃ મતદાન નિરસ રહે તેવા એંધાણ મળી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨: ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને આવતીકાલે ૮ બેઠકો પર મતદાન યોજાશે. સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આજે કતલની રાત છે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી જંગ જીતવા આજે રાત્રે ઘડશે 'આબાદ' રણનીતિ. આ ચૂંટણી માટે ભારે ચર્ચા જગાવી છે. જો કે મતદાન નિરસ રહે તેવા એંધાણ મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને ૧૦ નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

આવતીકાલે ૮ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી

૩જી સવારે મતદાન, ૧૦મીએ મત ગણતરી

કુલ મતદારોની સંખ્યા ૧૮,૭૫,૦૩૨

૧૮૦૭ મતદાન સ્થળો પર મતદાન મથકો કરાયા તૈયાર

હરીફ ઉમેદવારોની સંખ્યા ૮૧

૪૧૯ માઈક્રો ઓબ્ઝર્વર, ૩૨૪ સેકટર ઓફિસર, ૮ જનરલ ઓબ્ઝર્વર, ૮ ખર્ચ ઓબ્ઝર્વર નિમાયા

૯૦૦ મથકોએથી લાઈવ વેબકાસ્ટ કરાશે

૩૪૦૦થી વધુ થર્મલ ગનથી મતદારોનું ચેકિંગ

સ્ટાફ-મતદારો માટે મોટા ફેસ શિલ્ડ, ફેસ માસ્ક, પીપીઈ કિટ્સની વ્યવસ્થા કરાઈ

કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી થઈ

કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચ મહિનામાં પહેલા ૫ અને એ પછી ૩ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ ૮ ધારાસભ્યે રાજયસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં. જેમાં કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. આમ બે તબક્કામાં ૮ બેઠક ખાલી થઇ છે.

(10:14 am IST)