Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોરોના કાળમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્રીમિયમની કમાણી વધી

સામાન્ય વીમા એટલે કે નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓની કુલ પ્રીમિયમ આવક સપ્ટેમ્બરમાં ૫.૫૫ ટકા ઘટીને રૂ. ૨૨,૭૭૪.૬૦ કરોડ રૂપિયા નોંધાઇ છે

મુંબઇ,તા.૨ : સામાન્ય વીમા એટલે કે નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓની કુલ પ્રીમિયમ આવક સપ્ટેમ્બરમાં ૫.૫૫ ટકા દ્યટીને રૂ. ૨૨,૭૭૪.૬૦ કરોડ રૂપિયા નોંધાઇ છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઇરડા)ના આંકડાઓમાં આ માહિતી સામે આવી છે. ૩૪ નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓની પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રીમિયમની આવક ૨૪,૧૧૧.૭૮ કરોડ રૂપિયા રહી હતી.

 ઇરડાના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓનું ગ્રોસ પ્રીમયિમ કલેકશન ૬.૦૮ ટકા ઘટીને ૧૦,૯૫૯.૮૮ કરોડ રૂપિયા રહ્યુ છે, જે સપ્ટેમ્બર ૨૦૧૯માં ૧૧,૬૬૯.૪૩ કરોડ રૂપિયા હતુ. ખાનગી ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની પ્રીમિયમની આવક ૫.૦૪ ટકા ઘટીને ૧૧,૮૧૪.૭૧ કરોડ રૂપિયા નોંધાઇ છે, જે સપ્ટેમ્બર ૨૦૧૯માં  ૧૨,૪૪૨.૩૫ કરોડ રૂપિયા નોંધાઇ હતી.

 અલબત્, સામાન્ય વીમા કંપનીઓં સાત સિંગલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્રીમિયમની આવક સપ્ટેમ્બરમાં ૩૮.૦૪ ટકાના ઉછાળા સાથે ૧,૫૪૩.૬૨ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ, જે એક વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૧,૧૧૮.૨૪ કરોડ રૂપિયા રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના એપ્રિલથી સપ્ટેમ્બરમાં આ ૩૪ નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓનું પ્રીમિયમ કલેકશન ૧.૩૭ ટકા વધીને ૯૬,૮૩૧.૫૫ કરોડ રૂપિયાએ પહોંચી ગયુ, જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૯૫,૫૨૬.૮૯ કરોડ રૂપિયા નોંધાયુ હતુ.

 એપ્રિલથી સપ્ટેમ્બરમાં સરકારી માલિકીની વીમા કંપનીઓની પ્રીમિયમ પેટેની કમાણી ૦.૮૬ ટકા વધીને ૪૩,૩૪૭.૪૯ કરોડ રૂપિયા નોંધાઇ છે. તેવી જ રીતે ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓનું પ્રીમિયમ કલેકશન ૧.૭૮ ટકા વધીને ૫૩,૪૮૪.૦૬ કરોડ રૂપિયાએ પહોંચી ગયુ. એકલી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓનું પ્રીમિયમ કલેકશન એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનાના સમયગાળામાં ૨૮.૧૦ ટકા વધીને ૭,૮૧૨.૩૯ કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે.

(10:08 am IST)