Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સરકારી મહેમાન

સચિવાલયમાં સરકારી ફાઇલની અકળ ગતિ: જેને સમજાય તે તરે, શબ્દોમાં અટવાય તે ડૂબે

રાજ્યના કોઇ અરજદારે વિભાગમાં કામ કરવવું હોય તો પહેલાં તેણે સરકારી ભાષાને સમજવી પડે : ખાસ કિસ્સાની બોલબાલા, મિત્રો, પાર્ટીના નેતાઓ અને સ્નેહીજનો માટે આ શબ્દ વાપરવો પડે છે : સચિવાલયમાં દાખલ થતાં નવા કર્મચારીને સરકારી ભાષા અને પત્રલેખન સમજાવવું પડતું હોય છે

સરકારનો વહીવટ કેવો ચાલે છે તે સમજવું હોય તો સરકારી ભાષા પર પક્કડ હોવી જરૂરી છે. જે અધિકારી કે કર્મચારીની સરકારી ભાષા પર પક્કડ હશે તે અધિકારી કે કર્મચારી વયનિવૃત્તિ પછી કોઇને  કોઇ કોર્પોરેટ જગતમાં સરકાર કરતાં બમણો પગાર મેળવી શકે છે. સચિવાલયમાં સરકારી અધિકારી માટે કહેવાય છે કે તે નોકરી પર હોય તો લાખનો અને વયનિવૃત્તિ પછી સવાલાખનો... જો તે અધિકારી મહેસૂલ અને શહેરી વિકાસ જેવા વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયો હોય તો તેના કોર્પોરેટ જગતમાં ભાવ વધી જાય છે, કેમ કે સરકારમાં કોઇપણ પ્રોજેક્ટ મેળવવા માટે સૌ પ્રથમ સરકારી ભાષા આવડે તે જરૂરી હોય છે. સરકારમાં પત્રલેખન કરવામાં શુદ્ધ ગુજરાતી નહીં પરંતુ શબ્દોની મગજમારી હોય છે. “આવેલ... ગયેલ... સાદર રજૂ કરવું... ખાસ કિસ્સામાં...” જેવા શબ્દો વાપરવા પડે છે. એટલે કે અધુરૂં ગુજરાતી સરકારી ફાઇલમાં ચાલે છે. તેને ગુજરાતી વ્યાકરણ સાથે કોઇ નાતો હોતો નથી. કોઇ કોર્પોરેટ કંપની કે ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓના કામ નહીં થવા પાછળનું મુખ્ય કારણ સરકારી ભાષાનો અભાવ હોય છે. એટલે કે પ્રત્યેક અરજદારે સચિવાલયના કોઇ વિભાગમાં કામ કરાવવું હોય તો ફાઇલમાં લખાતા શબ્દોને પકડીને ચાલવા માટે નિવૃત્ત અધિકારી કે કર્મચારીની મદદ લેવી જોઇએ.

સરકારમાં નોકરી કરતાં એક અધિકારી રીનીશ ભટ્ટ તેમની 26 વર્ષની સરકારી નોકરીના નિચોડ રૂપે સરકારી ભાષાને સમજાવતો એક લેખ તેની ફેસબુક પોસ્ટમાં મૂક્યો છે. લેખમાં આવેલી કોમેન્ટ્સ પણ રસપ્રદ છે. પ્રત્યેક અરજદારે લેખ વાંચવા જેવો છે જેના અંશો અહીં રજૂ કર્યા છે. તેમના કહેવા પ્રમાણે સરકારી વિભાગોમાં ફાઇલની ગતિ અકળ છે. મનુષ્ય સકળ સૃષ્ટિનો અને બ્રહ્માંડનો તાગ મેળવી શકે, અવકાશની પેલે પાર જોઇ અને જઇ શકે, કુંડલિની જાગૃત કરી શકે પરંતુ સરકારી ફાઇલની આંટીઘુંટીવાળી ગતિ કળી શકતો નથી. ગતિને પામવા એક વિશિષ્ટ દિવ્ય-દ્રષ્ટિની અને ક્યારેકદ્રવ્ય’ ની આવશ્યકતા રહે છે.

સરળ એટલે કે સીધી ફાઇલ કોને કહેવાય...

સૌથી બેઝિક એવા ફાઇલની રજૂઆતના પ્રકારમાં ઉચ્ચ અધિકારીઓ અનન્ય બુધ્ધિક્ષમતા ધરાવતા હોવાના આદરભાવ સાથે રજુઆતકર્તા નાયબ સેકશન અધિકારી કે સેકશન અધિકારી નામના કર્તા માત્રસાદર રજૂ’ પ્રકારના શબ્દ પ્રયોગના પ્રયોજનથી રજૂઆતનો વિષય મૂળ સ્વરુપે રજૂ કરીને ફાઇલની નોંધના શ્રીગણેશ કરે છે. અને ઉચ્ચ અધિકારીઓ પણસાદર રજૂ’ ને આદરભાવ સાથે આગળ રજૂ કરે છે. અને સાદર રજૂ’ ક્યારેક છેક આગળ સુધી તે સ્વરુપે રજૂ થાય છે.

ચર્ચાની ફાઇલ એટલે શું કહેવાય...

પ્રકારની ફાઇલ વિશિષ્ટ હોય છે. ફાઇલમાં કર્તા (‘ચર્ચા’ લખનાર) જે કર્મ કરે છે તે કર્મ પૂર્ણ કરવાનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ કર્તાના શીરે હોય છે. ફાઇલમાં કોણ ચર્ચા કરશે તે બાબત રહસ્યમય અને અકળ હોય છે. ક્યારેક ઉપરી હરોળના કર્તાનું ઉત્તરદાયિત્વ નીચલી હરોળના કર્મીના શીરે તબદિલ થાય છે. અને બન્ને કર્તાઓના કર્મ એક-બીજાના શીરે તબદિલ થવાની પ્રક્રિયાના કારણે ફાઇલનો મૂળ વિષય એવોત્રીજો પુરુષ એક વચન’ એવો અરજદાર ચકરાવે ચઢે છે અને પોતે સૃષ્ટિ પર કેમ અવતર્યો છે તે મૂળ કર્મ ભૂલી જાય છે. અને ક્યારેક તો તે મોક્ષગતિ પ્રાપ્ત કરે છે પરંતુ ફાઇલ મોક્ષ પામી શકતી નથી અને ભવસાગરના (અહીં વિભાગોના) ફેરા ફર્યે રાખે છે.

પૃચ્છા (ક્વેરી)ની ફાઇલ કેવી હોય છે...

પ્રકારની ફાઇલ અતિ વિશિષ્ટ હોય છે. ફાઇલમાં ઉચ્ચકક્ષાએથી ઉપસ્થિત થયેલ મુદ્દો કોરોના વાઇરસની જેમ 72 કલાક સુધી અસ્તિત્વમાં રહે છે. ત્યાર બાદ તાબાના કર્મચારીઓ દ્વારા જો સમયસર ફાઇલને ઉચ્ચ્કક્ષાએ ભૌતિક સ્વરુપે પ્રકટ કરવામાં આવે તો મુદ્દાકાર (એટલે કે મુદ્દો ઉપસ્થિત કરનાર પાર્ટી) સ્મૃતિભ્રંશની અવસ્થામાં પહોંચી જાય છે અને જો ફાઇલના મુદ્દાનુ અનુપાલન નિયત સમય-મર્યાદામાં કરવામાં આવે તો મુદ્દો ભ્રમણકક્ષાની બહાર ફેંકાઇ ગયેલ ઉપગ્રહની જેમ મુદ્દાકારની ગ્રહણકક્ષાની બહાર જતો રહે છે અને આવી ફાઇલ પછીરેક’ના ખાનાઓનું પરિભ્રમણ કર્યા કરે છે. ફાઇલના એડવાન્સ્ડ વર્ઝનમાં ક્વેરીકર્તા તેઓના મસ્તિકમાં તમામ ક્વેરીની જાણકારી હોવા છતાં સુપરમાર્કેટની સ્કીમની જેમ પ્રથમ એક રુપાળી સ્કીમ ઉપસ્થિત કરે છે જેના અનુપાલન બાદ થોડા સમય બાદ બીજી ક્વેરી ઉપસ્થિત કરે છે અને પ્રકારે સુપરમાર્કેટના ગ્રાહકને જેમ એક-એક વસ્તુ પસંદ કરતાં કરતાં અંતે બ્રહ્મજ્ઞાન થાય છે. પ્રકારની ક્વેરી ઉપસ્થિત કરવાની ક્ષમતા માત્ર બે વિભાગો ધરાવે છે. જેના નામ લખવાની જરુર જણાતી નથી.

ફોર ઓર્ડર્સ’ ની ફાઇલમાં શું હોય છે...

સામાન્યત: પ્રકારની ફાઇલ નાયબ સેકશન અધિકારી (ના.સે..) કક્ષાના કર્મચારીદ્વારા રજૂ થાય છે જેમાં નોંધના અનેક પ્રકારના આરોહ-અવરોહ (અહીં મગજનું દહીં કરે એવું નોટિંગ) સાથે ગંતવ્યસ્થાન સુધી ગતિ કરતી હોય છે અને દરેક તબક્કે માત્રસહીકર્મ’ થવાના કારણે અંતેસુબહ કા ભુલા શામ કો ઘર કો લૌટે’ ભાવે ફાઇલ કોરીધાકોર પરત થતી હોય છે જેના કારણે ફાઇલનું વિષય-વસ્તુ મુલત: શું હતું તે બાબતે ખુબ ગુંચવણભરી પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી ફાઇલના મૂળ રજૂઆતકર્તા (ના.સે.) તે બગલમાં લઇને ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરનું ભ્રમણ કરતા દ્રષ્ટિગોચર થાય છે. અનેક નિષ્ણાતો (??) ની સલાહ બાદ સર્વાનુમતે એક ખુબ ખુબ ખુબ અગત્યનો નિર્ણય લેવામાં આવે છે કે ફાઇલને પુન: પુન:રુચ્ચાર સાથે (એનું નોટિંગ રીપીટ કરીને) ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવા માટે ગતિમાન કરવી (લો બોલો !!)

ફોર ઓર્ડર્સમાં કેવી ભેદભરમ હોય છે...

પ્રકારના થોડા અલગ કેસમાં ફાઇલમાં ઉચ્ચસ્થાને બીરાજમાન મહાનુભાવ દ્વારા ઓર્ડર્સ આપવાનું કર્મ પ્રકારે કરવામાં આવે છે કે તેઓએ શું ઓર્ડર્સ આપવામાં આવ્યા છે તે સમજવા માટે એકએક્સપર્ટ કમિટી’ ની રચના કરવાની આવશ્યકતા રહે છે. ક્યારેક એક્સપર્ટ કમિટી (એટલે કે નીચેનાસકલા’) મહાનુભાવને તેઓએ શું ઓર્ડર્સ આપ્યા છે તે અંગે તેમની સાથે ગહન વિચાર-વિમર્શ અને પરામર્શ કરવો પડે છે અને હદ તો ત્યાં થાય છે કે મહાનુભાવ દ્વારા તેઓએ શું ઓર્ડર્સ આપેલ છે તે બાબતે તેઓને અનન્ય દ્વિધા થતાં ગતિમાન ફાઇલ સ્થૂળ બનીને તેઓના મેજ ઉપર લાંબો સમય બીરાજમાન રહે છે અને ત્યાર બાદ કોઇ એક સમયે ફાઇલ અચાનક તેના ઉદગમસ્થાને મૂળ પરિસ્થિતિમાં પરત થયેલી દ્રશ્યમાન થાય છે.

અંડર કન્સીડરેશનની ફાઇલનો અર્થ...

અનંતકાળથી પ્રકારની ફાઇલ અસ્તિત્વમાં છે. ફાઇલના રચયિતા, તેનો ગહન અભ્યાસ કરનારા, નિષ્ણાતો, વિવેચકો, લાભાર્થીઓ અને સમાજનો એક મોટો વર્ગ (જે ફાઇલથી અસરગ્રસ્ત છે કે થનાર છે) અન્ડર કન્સીડરેશન’ ને સમજવામાં નિષ્ફળ ગયા છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રીજ (અહીં સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગ એમ વાંચવું) ના કેટલાક નિષ્ણાતોના મતેઅન્ડર કન્સીડરેશન’ શબ્દપ્રયોગ કાળક્રમો નવાં નવાં અર્થો પ્રસ્તુત કરી રહેલ છે અને કેટલાક નાણાકીય સલાહકારના મતે તેનો એક બીજો અર્થઅન્ડરટેબલ કન્સીડરેશન’ એવો પણ હોઇ શકે છે. એક નિષ્ણાતના મતે દેશી ભાષામાં શબ્દપ્રયોગનો નિષ્કર્ષકામ થઇ પણ શકે, પણ થઇ શકે’ એવો નીકળે છે.

અંડર એક્ટિવ કન્સિડરેશનની ફાઇલમાં શું હોય છે...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રો. એવરી ક્વેરીમાસ્ટરના મતેઅન્ડર કન્સીડરેશન’નું મોડીફાઇડ વર્ઝન એટલેઅંડર એકટીવ કન્સીડરેશન’, જેનો સીધો મતલબ થાય છે કેકામ થઇ પણ શકે, અને પણ થઇ શકે એમ બને, પરંતુ કેસમાં તો કામ સાવ થવાનું નથી તેમ પણ બને’) એટલે કે બીજા શબ્દોમાં પક્ષકાર (અહીં પાર્ટી) નો કેસ ગયેલો છે (એટલે કે કેસ તો ટેબલ ઉપર સ્થીર છે પણ કામ થવાનું નથી- એમ વિદ્વતાપૂર્ણ ભાષામાં અરજદારને સમજાવવામાં આવે છે જે સમજવા માટે અરજદારે કેમ્બ્રીજ યુનિવર્સિટીનો ‘How to understand and grasp the government jargon fast and effectively ) નો ત્રણ માસનો કોર્સ કરવો જરુરી છે (કોર્સની લિંક માટે સામાન્ય વહીવટ વિભાગ.આર.ટી.ડી. ની વેબસાઇટ જોવી).

ઉચ્ચકક્ષાએથી તૈયાર થતી નોંધવાળી ફાઇલ...

પ્રકારના કેસમાં વર્ગ-1ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવે છે જેમાં ફાઇલમાં રજૂ કરવામાં આવેલ નોંધને મુળ સ્વરુપથી વિપરીત સ્વરુપમાં થોડા ફેરફાર સાથે પરિવર્તિત કરીને ત્યાર બાદના પૃષ્ઠ ઉપર તેને પુન: મૂળ સ્વરુપમાં રુપાંતરિત કરીને, મૂળ નોંધ સ્વરુપના શબ્દ, ભાવ, અર્થ કે ભાવાર્થમાં તફાવત થાય તેવી વિશિષ્ટ પ્રક્રિયા કરીને ફાઇલને અતિ ઉચ્ચકક્ષાએ ગતિમાન કરવામાં આવે છે જેના કારણે ઉચ્ચ અધિકારી દ્વારા રજૂ થયેલ પ્રકરણમાં તેમની વિશિષ્ઠ અને વિચક્ષણ બુધ્ધિક્ષમતાના કારણે એક નિર્જીવ નોંધમાં જીવ આવેલ છે અને હવે ફાઇલ અંતીમ નિર્ણયના અવતરણ માટે પરિપકવ બની ગયેલ છે મુજબનો ભાવ અતિ ઉચ્ચ અધિકારીના મસ્તિકમાં ઉત્પન્ન થતાં ફાઇલની નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે અને ઉચ્ચ અધિકારીશ્રીની બુધ્ધિક્ષમતા સમગ્ર ફાઇલના છેલ્લા એક-બે પૃષ્ઠ ઉપર દ્રષ્ટિમાન થતાં તેઓ અનન્ય પ્રસન્નતા અનુભવીને રોમાંચિત અને ગદગદિત થાય છે અને ફાઇલની નોંધના મૂળ રચયિતા એવા ના..સે. કે સે.. ગદગદિત થવાની પ્રક્રિયાથી વંચિત રહી જાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:12 am IST)