Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફ્રાંસ પછી હવે કેનેડાના ક્યુબેક સિટીમાં લોકો ઉપર છરી વડે હુમલો : બેની હત્યા : પાંચને ઇજા : મધ્યકાલીન યોદ્ધાનો પોશાક પહેરી હુમલો કર્યો : લોકોને ઘરમાં જ રહેવા પોલીસની અપીલ

કેનેડાના ક્યુબેક સિટીમાં એક હુમલાખોરે ઘણા લોકો પર છરી વડે હુમલો કર્યો છે.  આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.  હુમલો કરનારે મધ્યયુગીન યોદ્ધાની જેમ પોશાક પહેર્યો હતો.  પોલીસે હુમલો થયા બાદ લોકોને ઘરે જ રહેવાની અપીલ કરી હતી.

હુમલો કરનાર શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.  અધિકારીઓએ જણાવ્યું કે, વ્યક્તિની ઉંમર આશરે 20 વર્ષની છે.  સ્થાનિક સમયે મોડી રાત્રે એક વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી છે.  હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે દેશ હેલોવીનની ઉજવણી કરી રહ્યો છે.  એવું માનવામાં આવે છે કે આ જ કારણ છે કે હુમલાખોરે મધ્યકાલીન પોશાક પહેર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો ઐતિહાસિક ઓલ્ડ ક્વિબેક નેબરહુડમાં સંસદ હિલની આસપાસ થયો હતો.

જોકે, આ હુમલા પાછળનું અસલી કારણ હજી જાણી શકાયું નથી.  નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં ફ્રાન્સમાં ઘણી જગ્યાએ છરાબાજીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.  સમગ્ર વિશ્વમાં વિરોધના અવાજો ઊઠી રહ્યા છે.

(12:00 am IST)