Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

હવે પસંદગીના રેલવે સ્ટેશન પર યૂઝર ચાર્જ વસૂલ કરાશે

યૂઝર્સ ડેવલપમેન્ટ સ્કીમ પણ લાગુ કરવાની તૈયારી : હાલમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ૧૦ રૂપિયા છે, જેને વધારી ૨૦ રૂપિયા કરાશે : ભાવ બે ગણા કરવામાં આવશે

નવી દિલ્હી, તા. ૧ : ભારતીય રેલવે કોરોના સંકટની વચ્ચે પોતાની કમાણીમાં વધારો કરવા માટે ટ્રેન પેસેન્જર્સને મોટો આંચકો આપવાની તૈયારી કરી રહી છે. તેના માટે રેલવે દેશના કેટલાક ખાસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નો ભાવ બમણો કરવા પર વિચાર કરી રહી છે. મોટાભાગના સ્ટેશનો પર હાલમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ૧૦ રૂપિયા છે, જેને વધારીને ૨૦ રૂપિયા કરી દેવામાં આવશે.

આ ઉપરાંત યૂઝર્સ ડેવલપમેન્ટ સ્કીમ પણ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ નવેમ્બર ૨૦૨૦માં દેશના ૧૨૧ સ્ટેશનો પર યૂડીએફ લાગુ કરી દેવામાં આવશે. આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં આવશે. દેશના ૧૦૫૦ સ્ટેશનો પર પેસેન્જર્સ પાસેથી વસૂલવામાં આવી શકે છે યૂઝર ચાર્જ - રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ વિનોદ કુમાર યાદવે ૧૮ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે એરપોર્ટ્સ પર વસૂલવામાં આવી રહેલા યૂઝર ચાર્જની જેમ કેટલાક સ્ટેશનો પર પેસેન્જર્સ પાસેથી યૂઝર ચાર્જ લેવામાં આવશે. ભારતીય રેલવેએ કહ્યું હતું કે કુલ રેલવે સ્ટેશનોના ૧૦થી ૧૫ ટકા સ્ટેશનો પર યૂઝર ચાર્જ લેવામાં આવશે. સાથોસાથ રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ વિનોદ કુમાર યાદવે જણાવ્યું કે ૧૦૫૦ સ્ટેશનો પર પેસેન્જરોનો ફુટફોલ વધારવામાં આવશે.

              ફુટફોલ વધારવાથી સ્ટેશનોની ક્ષમતા વધારવા માટે પુનર્નિર્માણ કરવામાં આવશે. આ સ્ટેશનો પર યૂઝર ચાર્જ લેવામાં આવશે. નોંધનીય છે કે, દેશભરમાં લગભગ ૭૦૦૦ રેલવે સ્ટેશન છે. પ્રાઇવેટ કંપનીઓ રિ-ડેવલપમેન્ટ પર કરશે ૫૦ હજાર કરોડનું રોકાણ - ઈન્ડિયન રેલવે હાલમાં પ્રાઇવેટ કંપનીઓની સાથે મળી ઝડપથી રિ-ડેવલપમેન્ટનું કામ કરી રહી છે. આ સ્ટેશનોની સાફ-સફાઈ, રિનોવેશન, મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ વર્ક પ્રાઇવેટ કંપનીઓ કરી રહી છે. પ્રાઇવેટ કંપનીઓ સ્ટેશનોને રિ-ડેવલપમેન્ટમાં ૫૦ હજાર કરોડ રૂપિયા રોકાણ કરશે. બિડિંગ ડોક્યૂમેન્ટમાં યૂઝર્સ ફી પણ સામેલ કરવામાં આવી છે જેથી વધુ રોકાણ આકર્ષિત કરી શકાય. નાગપુર, નેલ્લોર, પુડ્ડુચેરી, દેહરાદૂન, ગ્વાલિયર સ્ટેશનો માટે યૂઝર્સ ફીનો પ્રસ્તાવ છે. મળતી માહિતી મુજબ આ સ્ટેશનો માટે ટ્રેન ટિકિટનું ભાડું પણ વધારવામાં આવશે. યૂઝર્સ ચાર્જને શરૂઆતમાં ૧૨૧ સ્ટેશન પર લાગુ કરાશે.

(12:00 am IST)