Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

IPL -2020 : રાજસ્થાન રોયલ્સ સામે કોલકતા નાઈટ રાઈડર્સનો 60 રને શાનદાર વિજય: કમિન્સે 34 રન આપી ચાર વિકેટ ઝડપી

રાજસ્થાન રોયલ્સ સ્પર્ધામાંથી બહાર: કોલકાતા નાઇટરાઇડર્સની પ્લે ઓફની આશા જીવંત : કેપ્ટન મોર્ગનના 35 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી તોફાની અણનમ 68 રન ફટકાર્યા : 191 રનના જવાબમાં રાજસ્થાન 9 વિકેટે 131 રન જ કરી શક્યું

દુબઈઃ રાજસ્થાન રોયલ્સનો ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સને બેટિંગમાં ઉતાર્યું હતું ,એક છેડેથી સતત વિકેટો પડવા છતાં પણ કેપ્ટન મોર્ગનના 35 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી તોફાની અણનમ 68 રનના સથવારે કોલકાતા નાઇટ રાઇડર્સે 7 વિકેટે 191 રનના મૂકેલો જંગી જુમલો આ વખતે રાજસ્થાન રોયલ્સ પાર કરવામાં નિષ્ફળ ગયું હતું.

 

આ વખતે સીઝનમાં ત્રણ વખત જંગી લક્ષ્યાંક પાર પાડનારુ રાજસ્થાન રોયલ્સ આ વખતે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન જ કરી શકતા તેનો 60 રને પરાજય થયો હતો. આ સાથે કોલકાતા નાઇટરાઇડર્સનું પ્લે ઓફનું સ્વપ્ન જળવાઈ રહ્યુ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે.

કોલકાતા નાઇટ રાઇડર્સના બોલર કમિન્સે 34 રન આપી ચાર વિકેટ ઝડપતા રાજસ્થાન રોયલ્સના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. તેથી જંગી લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સે 37 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તેની છેલ્લી આશા બટલર અને તેવટિયાની જોડી પર હતી. બટલરે વિકેટો પડવા છતાં પણ ઝડપી રમત દાખવી હતી.

તેણે 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા. પણ તેના આઉટ થવાની સાથે રાજસ્થાન રોયલ્સનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો. તેના પછી તેવટિયાએ 31 રન કરીને કંઇક ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધતા જતા રનરેટને પહોંચી વળવાના પ્રયાસમાં તે પણ આઉટ થઈ ગયો હતો.

 

આ પહેલા રાજસ્થાન રોયલ્સ ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સને બેટિંગમાં ઉતાર્યુ હતુ. રાજસ્થાન રોયલ્સે આ વખતે સીઝનમાં ત્રણ મોટા ચેઝિંગ સફળતાપૂર્વક કરેલા હોઈ તેને વિશ્વાસ હતો કે તે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા જે પણ સ્કોર મૂકવામાં આવશે તેનું સફળતાપૂર્વક ચેઝિંગ કરી લેશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે પણ 13 ઓવર પૂરી થઈ ત્યારે 99 રનમાં ભૂતપૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી ત્યારે રાજસ્થાન રોયલ્સનો નિર્ણય સફળ લાગતો હતો. પણ પછી અહીંથી જ કેપ્ટન મોર્ગને બાજી ફેરવી હતી. તેને ફક્ત 11 બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 25 રન કરનારા રસેલે સારે ટેકો આપ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટની 45 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારી ફક્ત 18 બોલમાં જ નોંધાઈ હતી.

રસેલના આઉટ થયા પછી પણ કેપ્ટન મોર્ગને તેની તોફાની બેટિંગ જારી રાખી હતી અને ઇનિંગ્સના અંતે તે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 68 રન કરી અણનમ રહ્યો હતો. વર્તમાન આઇપીએલમાં આ તેની પ્રથમ હાફ સેન્ચુરી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી તેવટિયાએ ત્રણ, કાર્તિક ત્યાગીએ બે, ગોપાલ અને આર્ચરે એક-એક વિકેટ ઝડપી હતી. ગોપાલે ત્રણ ઓવરમાં 44 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચરે ચુસ્ત બોલિંગ કરતાં ચાર ઓવરમાં 19 રન આપી એક વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં જોફ્રા આર્ચરનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે.

(12:00 am IST)