Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અર્થતંત્રમાં રિકવરીનો સંકેત : ઓક્ટોબરમાં વિજળીની વપરાશ 13.4 ટકા વધીને 111 અબજ યુનિટએ પહોંચ્યો

ઔદ્યોગિક અને વ્યાસાયિક ગતિવિધિઓ તરફથી વિજળીની માંગ વધી

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રમાં રિકવરીના સંકેત જોવા મળી રહ્યા છે કારણ કે વિજળીની વપરાશ વધી રહ્યો છે. દેશમાં વિજળીની વપરાશ ચાલુ વર્ષે ઓક્ટોબરમાં 13.38 ટકા વધીને લગભગ 111 અબજ યુનિટને પહોંચી ગઇ છે. જેનું મુખ્ય કારણ ઔદ્યોગિક અને વ્યાસાયિક ગતિવિધિઓ તરફથી વધેલી વિજળીની માંગ છે. વિજ મંત્રાલયના આંકડાઓ મુજબ ઓક્ટોબરમાં દેશની વિજળીની વપરાશ 110.94 અબજ યુનિટ રહી છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં વિજળીની વપરાશ 97.84 અબજ યુનિટ નોંધાઇ હતી.

સપ્ટેમ્બરમાં દેશભરમાં વિજળીની વપરાશ 4.6 ટકા વધીને 112.43 અબજ યુનિટે પહોંચી ગઇ હતી જે પાછલા વર્ષે આ જ મહિનામા 107.51 અબજ યુનિટ હતી. ઓક્ટોબરમાં સૌથી વ્યસ્ત સમયગાળા દરમિયાન વીજળીની સપ્લાય 170.04 ગીગાવોટ રહી. જે ઓક્ટોબર 2019માં મહત્તમ 164.25 ગીગાવોટની વપરાશથી 3.52 ટકા વધારે છે.

પાછલા મહિને જ આર્થિક નિષ્ણાંતોએ વિજળીની વપરાશમાં દ્રિઅંકી વૃદ્ધિ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે અડધા મહિનાના આંકડાઓનું આંકલન કરીને આ અંદાજ વ્યક્ત કર્યો હતો.

પાછલા મહિનાની શરૂઆતના જ 15 દિવસમાં વિજળીની વપરાશ 11.45 ટકા વધીને 55.37 અબજ યુનિટે પહોંચી ગઇ હતી. ઓક્ટોબર 2019માં આ સમયગાળામાં દેશમાં વિજળીની વપરાશ 49.67 અબજ યુનિટ હતી. નિષ્ણાંતોનું કહેવુ છે કે, ઓક્ટોબરમાં વીજળીની વપરાશમાં બે અંકમાં વૃદ્ધિ નોંધાઇ હતી. જે દેશમાં વ્યાવસાયિક અને ઉદ્યોગજગતમાંથી વીજળીની માંગ વધવાના સંકેત આપે છે.

આગામી દિવસોમાં સ્થિતિ હજી સુધરવાની આશા છે. કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે સરકારે 25 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે વિજળીની વપરાશ ઘટવા માંડી હતી અને વીજળી ક્ષેત્રે માર્ચથી ઓગસ્ટ સુધી સતત છ મહિના સુધી વિજ વપરાશમાં ઘટાડોનો સામનો કરવો પડ્યો હતો. આંકડાઓના મતે છ મહિના બાદ વિજ ક્ષેત્રની માંગ સપ્ટેમ્બરમાં સુધરી જોવા મળી હતી.

(12:00 am IST)