Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

આતંકવાદના કારણે વિકાસ આડે અડચણો આવી રહી છે

એસસીઓની બેઠકમાં ત્રાસવાદનો મુદ્દો છવાયો : સંરક્ષણવાદ અને એકપક્ષીય હોવાની વાત નુકસાનકારક

નવીદિલ્હી, તા. ૨ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં હાજરી આપી હતી. ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચેલા રાજનાથસિંહે બેઠકમાં આતંકવાદના મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તાસ્કંદમાં એસસીઓની બેઠકમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, વિકાસના પ્રયાસોને નબળા કરવામાં આતંકવાદીઓની મોટી ભૂમિકા રહેલી છે. આતંકવાદના કારણે તમામ વિકાસના પગલાઓની અસર દેખાઈ રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક સહકાર પર ભાર મુકવાની જરૂર દેખાઈ રહી છે. ત્રાસવાદ અને સંરક્ષણવાદના પડકારો ઉપર પણ તેમણે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારા લોકોના ભવિષ્યને મજબૂત કરવા માટે સહકાર ખુબ જરૂરી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, સમાજને અસ્થિર કરવામાં ત્રાસવાદની ભૂમિકા છે. ત્રાસવાદ સામે લડવા માટે જરૂરી છે કે, તમામ વર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદા અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવે.

              સંરક્ષણવાદની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે, એક પક્ષીય બાબત ખુબ ખતરનાક હોઈ શકે છે. સંરક્ષણવાદના કારણે કોઇને પણ ફાયદો થશે નહીં. રાજનાથસિંહ શુક્રવારના દિવસે ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમની યાદમાં બનાવવામાં આવેલી સ્કુલમાં પણ પહોંચ્યા હતા જ્યાં અભ્યાસ કરી રહેલા બાળકો સાથે રાજનાથસિંહે વાતચીત કરી હતી. એસસીઓની બેઠક હાલમાં ખુબ ઉપયોગી બની ગઈ છે. રાજનાથસિંહે બેઠકમાં કહ્યું હતું કે, ભારત વિશ્વ વેપાર સંગઠનની પાસે પારદર્શી, નિયમ આધારિત અને કોઇપણ પક્ષપાતકર્યા વગર બહુપક્ષીય વેપાર સિસ્ટમને આગળ વધારવામાટે કટિબદ્ધ છે. રાજનાથસિંહે ત્રાસવાદના મુદ્દા પર હાલમાં ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું છે.

(7:38 pm IST)