Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લાંબા ઇંતજાર બાદ શરદ પવાર સોનિયા ગાંધી સાથે ચર્ચા કરશે

બીજેપી સરકાર બનાવ્યા બાદ બહુમત નહીં મેળવી શકે તો ભવિષ્યની વ્યૂહરચના બાબતે બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થશે

મુંબઇ તા. ર :.. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાને અઠવાડીયુ વિત્યા બાદ પણ નવી સરકાર સ્થાપિત થવાનાં એંધાણ દેખાતાં નથી ત્યારે એનસીપીના ચીફ શરદ પવાર રવિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રાજયમાં બીજેપી અને શિવસેના વચ્ચે સત્તા મેળવવા માટે ચાલી રહેલી ખેંચતાણ બાબતે ચર્ચા કરશે.

મહાયુતિમાં  ચૂંટણી લડયા બાદ બીજેપીને ર૮૮ માંથી ૧૦પ, તો શિવસેનાને પ૬ બેઠકો મળતાં બન્ને  મળીને બહુમતીનો ૧૪પ વિધાનસભ્યોનો આંકડો આસાનીથી મેળવી શકે છે, પરંતુ શિવસેના સત્તામાં સરખી ભાગીદારીની માગણી કરે છે જે બીજેપીને માન્ય ન હોવાથી સરકાર બનાવવામાં મુશ્કેલી ઊભી થઇ છે.

એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યું હતું કે 'બીજેપીએ સૌથી વધારે બેઠકો મેળવી હોવાથી એણે સરકાર બનાવવા માટે પહેલ કરવી જોઇએ અને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી જોઇએ. જો આમ કરવામાં બીજેપી નિષ્ફળ જાય તો આગળની વ્યુહરચના ઘડવા માટે શરદ પવાર રવિવારે સોનિયા ગાંધીને મળશે. બીજેપી વગરની સરકાર બનાવવા માટે આગળ વધવા માટે કયા પક્ષનો ટેકો લેવામાં આવશે એની ચર્ચા આ સમયે કરાશે.'

(11:42 am IST)