Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

લાલુના ઘરમાં ડખ્ખો : પુત્ર તેજપ્રતાપે પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાની પટના કોર્ટમાં અરજી દાખલ કરી

સમાધાન માટે ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પણ લાલુના ઘરે પહોંચ્યા

પટના :રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અધ્યક્ષ લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તેની પત્ની  ઐશ્વર્યા સાથે છૂટાછેડા માટે અરજી કરી છે તેજ પ્રતાપે પટણા સિવિલ કોર્ટમાં છૂટાછેડા મુજબ અરજી કરી છે. હાલ છૂટાછેડાનું કારણ જાણવા મળી શક્યું નથી. અહેવાલ મુજબ, સમાધાન માટે ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પણ લાલુના ઘરે પહોંચી ચૂક્યા છે.

 

 જાણકારી મુજબ, કોર્ટમાં છૂટાછેડાની અરજી આપ્યા બાદ તેજ પ્રતાપ રાંચી જવા નીકળી ગયા. ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ હાલમાં રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝના પેઈંગ વોર્ડમાં છે. લાલુ યાદવ ચારા કૌભાંડમાં સજા ભોગવી રહ્યા છે. પોતાની અરજીમાં તેજ પ્રતાપે લખ્યું છે કે, તે ઐશ્વર્યાની સાથે આ સંબંધને ચાલુ રાખવા નથી ઈચ્છતા. તેજ પ્રતાપ ધારાસભ્ય છે અને બિહારમાં નીતિશ કુમારની સાથે મહાગઠબંધનની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. લાલુ પ્રસાદના બે પુત્રો છે, જેમાં તેજ પ્રતાપ યાદવ મોટા અને તેજસ્વી યાદવ નાના પુત્ર છે.
  ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના લગ્ન આ વર્ષે 12 મેએ ધૂમધામથી થયા હતા. આ લગ્નમાં ઉપસ્થિત રહેવા લાલુ યાદવ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. લગ્નમાં તમામ મોટા નેતાઓ અને હસ્તીઓએ પણ હાજરી આપી હતી. પટણામાં યોજાયેલા આ લગ્નમાં 50 ઘોડાની સાથે હાથીઓની શાહી સવારી, આદિવાસી નગાડા વાદનની એક મોટી ફ્લીટ અને લગભગ 7000થી પણ વધુ મહેમાનો સામેલ થયા હતા. લગ્નમાં રાજકારણીઓની પણ હાજરી રહી હતી,
 
ઐશ્વર્યા રાયે એમિટી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. ઐશ્વર્યાના પિતા આરજેડી નેતા ચંદ્રિકા રાય, નીતિશ કુમારની સરકારમાં પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. ઐશ્વર્યા છપરાની રહેવાસી છે અને પટણાની નાટ્ર ડમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. દિલ્હીના મિરાંડા હાઉસમાંથી ગ્રેજ્યુએશન કરનારી ઐશ્વર્યા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પણ બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ઐશ્વર્યાના દાદા દરોગા રાય 16 ફેબ્રુઆરી, 1970થી લઈને 22 ડિસેમ્બર 1970 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા.

(9:43 pm IST)