Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મધ્‍યપ્રદેશના છતરપુરમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી બાદશાહસિંહના પુત્રના તિલકોત્‍સવમાં આનંદના અતિરેકમાં ફાયરિંગઃ ભાજપ યુવા મોરચાના મહામંત્રીને ઇજા

છત્તરપુર: મધ્ય પ્રદેશના છતરપુરમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી બાદશાહ સિંહના પુત્રના તિલકોત્સવ સમારોહમાં વધુ પડતા આનંદમાં ફાયરિંગ કરી નાખવામાં આવ્યું જેનો એક વીડિયો વાઈરલ થયો છે. ફાયરિંગમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી બ્રજેન્દ્ર સિંહ ઉર્ફે બોબીને પેટમાં ગોળી વાગી છે. અકસ્માત બાદ બ્રજેન્દ્ર સિંહને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. જ્યાં ડોક્ટરની ટીમે રાતના જ ઓપરેશન કરીને ગોળી કાઢી નાખી અને હવે બોબી રાજાની હાલત પહેલા કરતા સારી છે.

આ ઘટના 29 સપ્ટેમ્બરની છે જ્યારે પૂર્વ મંત્રી  બાદશાહ સિંહના પુત્રનો મધ્ય પ્રદેશના છતરપુરમાં તિલકોત્સવ ચાલી રહ્યો હતો. આવામાં આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પૂર્વ મંત્રીના પુત્રના તિલકોત્સવમાં કાયદા વ્યવસ્થાને નેવે મૂકવામાં આવ્યાં છે અને કાર્યક્રમમાં હર્ષ ફાયરિંગ થઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હાઈ પ્રોફાઈલ કેસ હોવાના કારણે ફક્ત અજ્ઞાત પર મામલો નોંધ્યો છે.

વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંદૂક અને પિસ્તોલથી લોકો ફાયરિંગ કરી રહ્યા છે. આ ફાયરિંગ દરમિયાન દુલ્હનના ભાઈ અને  ભાજપ યુવા મોરચાના મહામંત્રી બ્રજેન્દ્ર સિંહ ઉર્ફે બોબીને પિસ્તોલથી છૂટેલી ગોળી પેટમાં વાગી ગઈ. આ બાજુ બોબીને ગોળી વાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. તિલક સમારોહમાં બડામલેહરાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહને પણ જોઈ શકાય છે.

હર્ષ ફાયરિંગ દરમિયાન જન પ્રતિનિધિઓ ઉપરાંત બડામલેહરા પોલીસ  પણ હાજર હતી. પરંતુ સત્તાની તાકાતનો નજારો ચાલતો રહ્યો. બોબીને ગોળી વાગતા જ કોંગ્રેસના ધારાસભ્ય અને બાદશાહ સિંહ સહિત ભાજપના નેતા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતાં. બાદમાં ઘાયલ યુવકને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. 

(5:26 pm IST)