Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પ્‍લાસ્‍ટિકની બોટલના વિકલ્‍પ તરીકે હવે વાંસની બોટલનું અને માટીની કુલડીનું નિર્માણઃ રોજગારની નવી તક મળશે

નવી દિલ્હીઃ દેશમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસથી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ બંધ કરવાનું અભિયાન કેન્દ્ર સરકાર શરૂ કરવા જઈ રહી છે ત્યારે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા પ્લાસ્ટિકની બોટલનો એક નવો વિકલ્પ શોધી કાઢવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે હવે વાંસની બોટલ તૈયાર કરાઈ છે. એટલે પીવાના પાણી માટે હવે પ્લાસ્ટિકની બોટલના સ્થાને વાંસની બોટલનો ઉપયોગ કરવામાં આવશે.

MSME મંત્રાલય પણ વાંસની બોટલ બનાવવાનો પ્રોત્સાહન આપી રહ્યું છે. કેન્દ્રીય MSME મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં વાંસની આ બોટલ લોન્ચ કરી છે. આ બોટલોનો ઘરમાં પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ બોટલની ક્ષમતા 750 mlથી 1 લીટર સુધીની છે અને તેની કિંમત રૂ.300થી શરૂ થાય છે. એક લીટરની બોટલની કિંમત રૂ.560 છે.

વાંસની બોટલ ક્યારેય ખરાબ નહીં થાય

ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ વિનય સક્સેનાએ જણાવ્યું કે, વાંસની બોટલ બનાવવા માટે ત્રિપુરાના જંગલોનાં વાંસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બોટલ ક્યારેય ખરાબ થશે નહીં. આ બોટલનું પાણી કુદરતી પણ રહેશે. વાંસનું પાણી આરોગ્ય માટે પણ સારું હોય છે.

માટીની કુલડી

ખાદી ગ્રામોદ્યોગ કમિશન પ્લાસ્ટિકના ઉપયોગ સામે પોતાની તૈયારી પહેલાથી જ કરી ચૂક્યું છે. કમિશન દ્વારા માટીની કુલડી તૈયાર કરાવાનું શરૂ કરી દેવાયું છે. 1 કરોડથી પણ વધુ કુલડી તૈયાર કરી દેવાઈ છે.

લોકો માટે રોજગારની નવી તક

ખાદી ગ્રામોદ્યોગની આ પહેલના કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળી રહ્યો છે. માટીની કુલડી અને વાંસની બોટલ બનાવવાનું શરૂ થતાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટા પ્રમાણમાં રોજગાર મળી રહ્યો છે. આટલું જ નહીં નવા લોકો પણ હવે આ ક્ષેત્રે જોડાઈ રહ્યા છે.

(5:23 pm IST)