Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સાબરમતીના સંત પાસેથી શિખવા જેવા છે મેનેજમેન્ટના ૧૦ ગુણ : નવા દ્રષ્ટિકોણની જરૂર

સત્ય-અહિંસાનો રાહ બતાડનાર મહામાનવના સિધ્ધાંતો અને કુશળ મેનેજમેન્ટના ગુણ છુપાયેલા છે

નવી દિલ્હી તા ૨  : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૦મી જન્મજયંતિ છે. દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ દેખાડનાર સાબરમતીના સંતના સિધ્ધાંતોનાં કુશળ મેનેજમેન્ટની કળા પણ છુપાયેલી છે.

૧.  નેતૃત્વ ક્ષમતા : બાપુના નેતૃત્વના સિધ્ધાંત અને વ્યવહારમાં એકરૂપતા હતી. તેમના ભાષણ, વિચાર, અને કાર્ય વચ્ચે વિરોધાભાસ ન હોવાથી તેઓ અનુકરણીય બન્યા હતા.

ર. ટાઇમ મેનેજમેન્ટ : ગાંધીજીએ કયારેય એમ નહોતું કહયું કે, તેઓ વ્યસ્ત છે. આશ્રમમાં શ્રમદાન, હજારો પત્રોના જવાબ, પુજાથી માંડીને ચાલવા સુધીનો સમય તેમણે કાઢયો હતો. જે તેમનું સમયનું વ્યવસ્થાપન દર્શાવે છે.

૩. જન સંપર્ક : દાંડી કુચ, જનસંપર્ક મેનેજમેન્ટનો અદ્વિતિય દાખલો છે, વિરોધી સુરો ઉઠતા હોવા છતાં,તેમણે પોતાના અનુયાયીઓ સાથે કુચ શરૂ કરી,તેઓ ચાલતા ગયા અને લોકો જોડાતા ગયા.

૪. કોમ્યુનિકેશન સ્કીલ :  એ તેમની કોમ્યુનિકેશન સ્કીલનો પ્રભાવ હતો કે, તેઓ અંગ્રેજો અને ભારતીયો બંન્નેને પોતાની વાત સમજાવી શકયા. દરેક વ્યકિત ભાવનાત્મક, તાર્કિક અને નૈતિક રીતે તેમની સાથે જોડાઇ શકાયું હતું.

૫. બ્રાંડીંગ :  સ્વદેશી આંદોલન ખાલી વિદેશી કપડા બાળવા પુરતુ સીમીત નહોતું, તે અર્થવ્યવસ્થાને સીધી ઉભી કરવાનો સફળ પ્રયોગ હતો. આજે પણ ખાદી એક બ્રાન્ડ ગણાય છે.

૬. ગ્રામીણ વિકાસ મેનેજમેન્ટ : આત્મ નિર્ભરતાના કેન્દ્ર બનેલા ગાંધી આશ્રમોમાં ખાવાની વસ્તુ થી માંડીને કપડા પણ તૈયાર થતા હતા. ગામડાના વિકાસ માટે તેમણે આ મોડલની તરફેણ કરી હતી.

૭. નૈતિક તાકાત : બાપુના આંદોલનોમાં નૈતિકતા સોૈથી મોટી તાકાત હતી, તેઓ જાણતા હતા કે, અંગ્રેજો બહુ હકિતશાળી છે, પણ નૈતિક મુલ્યોમાં નબળા છે. સહકાર આંદોલન સામે અંગ્રેજો વામણા પુરવાર થયા હતા.

૮. સમાવેશી વિકાસ :  સમાવેશન દ્વારા તેમણે વંચિતોને પણ વિકાસ સાથે જોડયા ટ્રસ્ટોમાં અમીરો નિયંત્રક નહી પણ સંરક્ષક હતા. આ વિચારધારા સામ્યવાદ અને મુડીવાદ વચ્ચેની એક તટસ્થ વિચારધારા હતી.

૯. પારદર્શિતા :  તેમણે સાદગીપૂર્ણ જીવનનો માત્ર ઉપદેશ જ ન આપ્યો પણ પોતે જીવનમાં ઉતાર્યો. પોતાની નબળાઇઓને તેમણે જાહેર કરીને પોતાની તાકાત બનાવી.

૧૦. સકારાત્મક વિચાર : બાપુ બીજાની ભાવનાઓને બહુ સમજતા હતા.ગુસ્સામાં નકારાત્મક ભાવના પ્રગટ કરવાને બદલે શાંતિપૂર્ણ વિરોધમાં વિશ્વાસ રાખતા હતા.

(1:18 pm IST)