Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સેકસ સ્કેન્ડલ : કમલનાથને ભાજપ સામે હથિયાર મળી ગયુ

૫ મહિલાના ગ્રુપે મધ્યપ્રદેશના ૧૧ આઈએએસ અફસરો, અડધો ડઝન આઈપીએસ અમલદારો - ભાજપના નેતાઓ - ફોરેસ્ટ અફસરોને હનીટ્રેપમાં ફસાવ્યા છે : જૈન યુગલનું અદ્દભૂત આયોજન : મુખ્ય સચિવ મોહંતીએ જાતે તપાસનો દોર સંભાળ્યો : ડીજીપીના વડપણ હેઠળ આ યુગલ - સાગ્રીતોને શોધવા ક્રેક ટીમની રચના : સીટની પણ રચના : સેકસકાંડની સેંકડો ટેપ હસ્તગત : ભાજપ નેતાઓ- ઓફીસરોના નામો કોંગી મુખ્યમંત્રી કમલનાથને સુપ્રત કરાયા : નામો જાહેર નથી કરાયા : ભાજપે સીબીઆઈ તપાસ માગી ઢાંકો ઢૂંબો કરવા કસરત આદરી : કોંગ્રેસ કહે છે નામો જાહેર કરો - કમલનાથ વીનીંગ મોડમાં

ભોપાલ : હાલ એક મોટા સેકસ અને બ્લેકમેઇલ રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં પાંચ મહિલાના એક ગ્રુપે ૧૧ આઇએએસ અધિકારીઓ, અડધો ડઝન આઇપીએસ અધિકારીઓ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના કેટલાક અધિકારીઓ તેમજ ભાજપના કેટલાક રાજકીય નેતાઓને ફસાવ્યા હતા.

એવું કહેવાય છે કે આ રેકેટ ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું હતુંં. આ રેકેટના મુખ્ય સૂત્રધાર સ્વપ્નિલ જૈન અને તેની પત્ની શ્વેતા છે કે જેમણે અન્ય કેટલીક મહિલાઓને આ રેકેટમાં સામેલ કરીને હની ટ્રેપ કૌભાંડ આચર્યું હતુંં. આ રેકેટની મોડસ ઓપરેન્ડી સરળ હતી. મોટા ભાગના અધિકારીઓને અરેરા કલબના સભ્યો બનાવવામાં આવતાં હતાં અને તેમને જહાનૂમા પેલેસ હોટલ ખાતે લઇ જવામાં આવતાં હતાં જયાં તેમને કેટલીક સર્વિસ ઓફર કરવામાં આવતી હતી. મોટા ભાગના અધિકારીઓ હની ટ્રેપની આ ઓફર સ્વીકારતા હતા અને સેવાનો ઉપયોગ લેતાં હતાં.

આ જૈન યુગલ અનેક એનજીઓ ચલાવે છે અને તેમણે આ માટે અધિકારીઓને ફસાવીને નાણાં ભંડોળ મેળવ્યું હતુંં. અહેવાલો અનુસાર મુખ્ય સચિવ એસ આર મોહંતીએ આ સમગ્ર મામલાને પોતાના હાથમાં લીધો છે અને ડીજીપીને આ યુગલ તેમજ તેમના સાગરીતોને શોધી કાઢવા માટે એક ક્રેક ટીમ રચવા જણાવ્યું છે.

અગાઉ આઇજી શ્રીનિવાસ હેઠળ અને હવે એડીજી લેવલના અધિકારી સંજીવ શમીના વડપણ હેઠળ આ કૌભાંડમાં તપાસ કરવા માટે સીટની રચના કરવામાં આવી છે. શમીએ આ કૌભાંડમાં ફસાયેલા અધિકારીઓ અને રાજકારણીઓના નામો મુખ્ય પ્રધાન કમલનાથને સોંપ્યાં છે. કયા કયા અધિકારીઓ ફસાયા હતા તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી જયારે ભાજપના કેટલાક નેતાઓના નામો અફવાઓ અને અખબારોમાં વહેતા થયા છે.

તેના કારણે કમલનાથને એક મોટું શસ્ત્ર હાથ લાગ્યું છે કારણ કે આ હની ટ્રેપમાં ભાજપના કેટલાય વરિષ્ઠ નેતાઓ ગ્રાહકો હોવાનું માનવામાં આવે છે. જો કે ભાજપે આ કૌભાંડમાં સીબીઆઇ તપાસની માગણી કરી છે. આમ આ સેકસ સ્કેન્ડલને કારણે કમલનાથની રાજકીય સ્થિતિ મજબૂત થઇ છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ અધિકારીઓના નામો જાહેર કરવાની પણ માગણી કરી છે.

(11:47 am IST)