Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

આજે ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ : દેશ ઉજવે છે 'સ્વચ્છ ભારત દિવસ'

સંકલ્પ પૂર્ણ : ભારત ખુલ્લામાં શૌચ મુકત જાહેર થશે સંકલ્પ શરૂ : સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ

સાંજે વડાપ્રધાન મોદીનું અમદાવાદમાં આગમન : કાર્યકરોને સંબોધન : સાબરમતી આશ્રમની મુલાકાત : સરપંચોના સંમેલનને સંબોધન-વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની મુલાકાત

નવી દિલ્હી તા. ર :.. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા પાંચ વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંકલ્પ કરી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુકત કરવા જનભાગીદારીથી રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડયું હતું. તે સંકલ્પ બુધવારે પૂરો થઇ રહ્યો છે. બીજી ઓકટોબરે ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતી દિને બાપુની કર્મભૂમિ સાબરમતી નદીના તટેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત જાહેર કરશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે દેશ-વિદેશના મહાનુભાવોની હાજરી સાથે વીસ હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતીમાં યોજાનારા સ્વચ્છતા સંમેલનમાં વડાપ્રધાન આ ઐતિહાસિક ઘોષણા કરવા સાથે હવે દેશને સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશથી મુકત કરવા માટેના અભિયાનની વિધિવત જાહેરાત કરશે.

પૂજય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને એક સામાજિક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ વડાપ્રધાન મોદીએ હાથ ધર્યુ હતું. જે આઝાદીના દાયકાઓ બાદ પણ કયારેય ન થયુ હોય તેવું કામ આજે પુર્ણ થયુ છે. ગુજરાતને તેનું ગૌરવ અપાવવાની આ કાર્યક્રમ થકી તક આપી છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

વડાપ્રધાન બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જયાં રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મંત્રી મંડળના સભ્યો, ભાજપના નેતાઓ સ્વાગત કરશે. અહીં વડાપ્રધાન દસેક હજારની મેદનીને સંબોધન કરશે. ત્યાંથી સાડા છ વાગ્યા બાદ સાબરમતી આશ્રમ આવવા રવાના થશે. વડાપ્રધાન સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન મોદીના સ્વચ્છતા સંકલ્પને ગુજરાતે જનભાગીદારીથી અમલ શરૂ કરી સમગ્ર દેશમાં સૌથી પહેલું ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત બન્યું હતું. અન્ય રાજયોની સરખામણીમાં રાજયમાં ઘણાં ઓછા ગામો, નગરોમાં ઘર ઘર શૌચાલય બનાવવાની કામગીરી ઝડપી બનાવી હતી. કેન્દ્ર અને રાજય સરકારે નાણાકીય જોગવાઇઓને પગલે ગુજરાત સૌ પ્રથમ સ્વચ્છ રાજય બન્યું હતું. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતને સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થશે.

પીએમ નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર આગમન સાંજે પ.૪પ વાગે એરપોર્ટ ખાતે દસ હજાર કાર્યકરોને સંબોધન. સાબરમતી આશ્રમ સાંજે ૬.૩૦ થી ૬.પ૦ વાગ્યા સુધી.

રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સરપંચ સંમેલન સાંજે ૭ થી ૮.ર૦ વાગ્યા સુધી.

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, જીએમડીસી રાત્રે ૮.૪૦ વાગે., વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવમાં આરતી કરશે. રાત્રે ૯.૩૦ વાગે અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના.

(11:30 am IST)