Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કલમ ૩૭૦ : વિવિધ અરજી ઉપર ૧૪ નવેમ્બરે સુનાવણી

બંધારણીય કાયદેસરતાને અરજીઓમાં પડકાર : કેન્દ્ર અને વહીવટીતંત્રને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા વધારે સમય નહીં મળવો જોઇએ તેવી માંગણીને ફગાવાઈ

નવીદિલ્હી,તા.૧ : સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ની નાબૂદીના કેન્દ્ર સરકારના નિર્ણયની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર સુનાવણી ૧૪મી નવેમ્બરના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જસ્ટિસ એનવી રામાન્નાની બનેલી પાંચ જજની બેંચે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને કલમ ૩૭૦ને નાબૂદ કરવાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેટલીક સાફ શબ્દોમાં ચેતવણી પણ આપી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલામાં ૧૪મી નવેમ્બરે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. બેંચે કહ્યું છે કે, એક સપ્તાહનો સમય કાઉન્ટર એફિડેવિટના સંદર્ભમાં તેમના જવાબો રજૂ કરવા અરજીદારોને આપવામાં આવી રહ્યો છે.

              કાઉન્ટર એફિડેવિટ કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા ચાર સપ્તાહની અંદર દાખલ કરશે. કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રની કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જસ્ટિસ એસકે કોલ, આર સુભાષ રેડ્ડી, બીઆર ગવાઈ અને સૂર્યકાંતની બનેલી બેંચ દ્વારા આ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦નો મામલો પહોંચી ચુક્યો છે. હાલમાં જ કલમ ૩૭૦ની નાબૂદી કરવામાં આવી હતી જેના ભાગરુપે જમ્મુ કાશ્મીરમાં અનેક પ્રકારના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. જો કે, હવે સ્થિતિ સરળ કરવામાં આવી રહી છે. તમામ નિયંત્રણો દૂર કરવામાં આવી ચુક્યા છે. જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ પર અંકુશ મુકવાના હેતુસર આ કલમને દૂર કરવામાં આવી છે. કલમ ૩૭૦ની નાબૂદી પર ભારત અને પાકિસ્તાનની સરકારો આમને સામને આવેલી છે. પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. બીજી બાજુ ભારત સરકારને કલમ ૩૭૦ની નાબૂદીના મુદ્દે દુનિયાના દેશોનું સમર્થન મળી રહ્યું છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર હવે સુનાવણી કરાશે. જો કે, કેન્દ્ર સરકારની રજૂઆતો ખુબ જ ધારદાર રહેલી છે.

(12:00 am IST)