Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

તમામ હિન્દુ શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવા માટેની ખાતરી

પશ્ચિમ બંગાળમાં અમિત શાહના મમતા બેનર્જી પર તેજાબી પ્રહાર : બંગાળમાં ૧૮ લોકસભા બેઠકો ભાજપને મળ્યા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે : દુર્ગાપૂજા રોકવાની કોઇની હિંમત નથી

કોલકાતા, તા. ૧ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીના મુદ્દા ઉપર સરકારનું વલણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઇપણ હિન્દુ અને ખ્રિસ્તી શરણાર્થીને ભારત છોડવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. એનઆરસી પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતા અમિત શાહે કહ્યું હતું કે, જે પણ હિન્દુ શરણાર્થી લોકો દેશમાં આવ્યા છે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. સાથે સાથે એમ પણ કહયું હતું કે, હિન્દુ શરણાર્થીને દેશથી જવા દેવાશે નહીં. સાથે સાથે કોઇ ઘુસણખોરને પણ દેશમાં તક આપવમાં આવશે નહીં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે કલમ ૩૭૦ પર કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સાથે સાથે એનઆરસી પર પણ લોકોના ભ્રમને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. 

                 એનઆરસી પર બંગાળની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ બંગાળની જનતા વાસ્તવિકતાને સમજે છે અને તેઓ વધુ સ્પષ્ટતા કરવા માંગે છે. શાહે કહ્યું હતું કે, તમામ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોદી સરકાર ટુંક સમયમાં જ સિટીઝનશીપ સુધારા બિલ લાવનાર છે. ત્યારબાદ તેમના જેટલા પણ અધિકાર દરેક શરણાર્થીને મળી જશે. તેમણે ઉમેર્યું હતું કે, એકપણ ઘુસણખોરને દેશમાં રહેવાની તક આપવામાં આવશે નહીં. એક એક શરણાર્થીને વડાપ્રધાન બનવાના અધિકાર ભાજપ સરકાર આપનાર છે. ભાજપને પશ્ચિમ બંગાળથી ૧૮ લોકસભા સીટ મળવાની અસર અંગે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, પહેલા દુર્ગાપૂજામાં મૂર્તિ વિસર્જન માટે કોર્ટમાં જવાની ફરજ પડી હતી. આ વખતે તેઓ દુર્ગાપૂજામાં આરતી કરવા માટે પહોંચ્યા છે. દુર્ગાપૂજા રોકવાની કોઇની હિંમત નથી. વસંત પંચમીના દિવસે આ પ્રક્રિયા યોજવામાં આવશે.

                વસંત પંચમીને પણ રોકવામાં આવશે નહીં. કારણ કે, ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ૧૮ સીટો મળી ચુકી છે. આ પહેલા અમિત શાહે કલમ ૩૭૦ને દૂર કરવા બદલ તમામનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મોદીએ આ કલમ દૂર કરીને શ્યામાપ્રસાદ મુખર્જીના સપનાને પૂર્ણ કર્યું છે. બંગાળના સપૂત શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરની ધરતી ઉપર નારો લગાવ્યો હતો કે, એક દેશમાં બે પ્રધાન અને બે નિશાન રહી શકે નહીં. તેઓએ એક નિશાન અને એક વિધાન અને એક પ્રધાનની વાત કરી છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ટેકો આપવા બદલ લોકોનો આભાર માનતા અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં બીજી વખત મોદીના નેતૃત્વમાં ભાજપે પ્રચંડ બહુમતિ મેળવી છે. આમા સૌથી મોટુ યોગદાન પશ્ચિમ બંગાળની જનતાનું પણ રહેલું છે. પશ્ચિમ બંગાળની અંદર જો જનતા પરિવર્તનના મૂડમાં ન રહી હોત તો ૩૦૦નો આંકડો પાર કરી શકાયો ન હોત. તેઓ તમામને વિશ્વાસ અપાવવા માંગે છે કે, ૧૮ સીટો જીતાડીને પરિવર્તનની જે ઇચ્છા દર્શાવવામાં આવી છે તેપ્રશંસાપાત્ર છે. આગામી વખતેહવે બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનનાર છે તે વાત તેઓ દાવા સાથે કહી શકે છે.

(12:00 am IST)