Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કિસાન રેલી હિંસક બની : કેન્દ્રની ખાતરીને ખેડૂતોએ અસ્વીકાર કરી

જુદી જુદી માંગણીઓને લઇને દિલ્હી-યુપી સરહદે ખેડૂતો એકત્રિત : દિલ્હીમાં પ્રવેશ કરતા ખેડૂતોને રોકવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી ખેડૂતો ઉપર પાણીનો મારો ચલાવવા અને લાઠીચાર્જ કરવા માટે ફરજ પડી

નવીદિલ્હી, તા. ૨ : કિસાન ક્રાંતિ યાત્રામાં દિલ્હીની સરહદ નજીક ખેડૂતોના આંદોલને ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા અફડાતફડી મચી ગઈ હતી. ખેડૂત રેલી રક્તરંજિત બની હતી. ખેડૂત આંદોલનને રોકવા માટે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકારના પ્રયાસ પણ બિનઅસરકારક રહ્યા હતા. જો કે, સરકાર તરફથી કેટલીક ખાતરી આપવામાં આવી હતી પરંતુ નારાજ ખેડૂતોએ ફગાવી દીધી હતી. કેન્દ્ર સરકારની ખાતરીને સ્વીકારવા ખેડૂતોએ ઇન્કાર કર્યો હતો અને દેખાવ જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકેટે કહ્યું હતું કે, ખેડૂતો સરકારની ખાતરી સ્વીકારશે નહીં અને દેખાવ જારી રાખશે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા યુદ્ધવીરસિંહે કહ્યું હતુ ંકે, ૧૧ મુદ્દા ઉપર ચર્ચા થઇ છે. સરકારે સાત માંગ સ્વીકારી લીધી છે. જો કે, ચાર મુદ્દા ઉપર સરકારે કહ્યું છે કે, તે વધુ બેઠકો યોજશે. દિલ્હી-યુપી સરહદ ઉપર ખેડૂતો સાથે વાતચીત થઇ હતી જેમાં કેન્દ્ર સરકારે તેમની માંગ ઉપર વિચારણા કરવાની ખાતરી આપી હતી પરંતુ ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, તેમનું આંદોલન જારી રહેશે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે મક્કમ બનેલા ખેડૂતોને રોકવા માટે તમામ પ્રયાસ કરાયા હતા. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ ઉપર રોકવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પાણીનો મારો ચલાવ્યો હતો. ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. લાઠીચાર્જ પણ કરાયો હતો. આને લઇને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ખેડૂતોના ઉગ્ર બનતા આંદોલનને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ખેડૂતોની નારાજગી દૂર કરવા તરત જ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ખેડૂતોને મળવા પહોંચી ગયા હતા અને સરકાર તરફથી ખાતરી આપી હતી કે ખેડૂતોની માંગને લઇને અમે સહમત છીએ. જો કે, કેન્દ્રીય રાજ્યમંત્રીએ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તાનું કહેવું છે કે, મોટાભાગની માંગ સ્વીકારાઈ હોવા છતા ઘણી માંગ સ્વીકારાઈ નથી. આ પહેલા કેન્દ્રીય કૃષિરાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતોની મુલાકાતને લઇને ભારતીય કિસાન યુનિયનના મુદ્દે વાત કરી હતી. ભારતીય કિસાન યુનિયન પ્રેરિત આંદોલન રાજનીતિક પ્રેરિત હોવાની પણ વાત કરી હતી. શેખાવતે કહ્યું હતું કે, આ ચૂંટણી વર્ષ છે જેથી ઘણા લોકોના જુદા જુદા હેતુ રહેલા છે. દેશભરના ખેડૂત મોદી સરકાર દ્વારા ગણા પગલા લઈ રહી છે. લોન માફી અને ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કરવા સહિત જુદી જુદી માંગને લઇને ખેડૂતો આગળ વધી રહ્યા હતા. જો કે, ખેડૂતોને દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ ઉપર રોકી દેવામાં આવ્યા હતા. હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી તરત જ પગલા લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગ માનવાના સંકેત પણ આપ્યા હતા. કેન્દ્ર અને પ્રદેશ સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે તેવી ખાતરી યોગી આદિત્યનાથે આપી હતી. યોગીએ કહ્યું હતું કે, સરકારે શેરડી સંદર્ભે ઝડપથી ચુકવણી કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાને લઇને મોદી સરકાર ગંભીર છે. અમારી સરકાર પણ ખેડૂતોના હિતમાં અનેક પગલા લઇ ચુકી છે. કેન્દ્રીયમંત્રી શેખાવત અને યુપી સરકારના મંત્રી સુરેશ રાણા ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા. રાજનાથસિંહે પણ દેખાવકારોના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી.

બીજી બાજુ ખેડૂતોના સમર્થનમાં સમાજવાદી પાર્ટીએ ઉતરીને આ દેખાવોને યોગ્ય ગણાવ્યા હતા. ખેડૂતો દ્વારા અનેક માંગણીઓને દેખાવો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય માંગમાં શેરડીની કિંમતો ઉપર વહેલીતકે ચુકવણીની માંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિંચાઈ માટે વિજળી મફત આપવા, ખેડૂતોની લોન માફીની માંગ થઇ રહી છે. ૬૦ વર્ષની વય બાદ પેન્શન આપવાની માંગ પણ કરાઈ રહી છે.

ખેડૂતોની માંગ શું છે.....

*    ૬૦ વર્ષની વય બાદ પેન્શન આપવાની માંગ

*    પીએમ ફસલ વિમા યોજનામાં ફેરફાર કરવાની માંગ

*    શેરડીની કિંમતો ઉપર વહેલી ચુકવણીની માંગ

*    દેવા માફીની પણ જોરદાર માંગણી

*    સિંચાઈ માટે મફત વિજળી આપવાની માંગ

*    કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજમુક્ત લોનની માંગ

*    તમામ પાકની પૂર્ણરીતે ખરીદીની માંગ

*    કિસાન સ્વામીનાથન કમિટિની રિપોર્ટને લાગૂ કરવાની માંગ

*        શેરડીની કિંમતમાં ચુકવણીમાં વિલંબ મુદ્દે વ્યાજ આપવાની માંગ

(7:11 pm IST)