Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કોલકાતાના દમદમ બજારમાં ધડાકો, ૧નું મોત, ૧૦ ઘાયલ

ઘાયલ થયેલા લોકો પૈકી ચારની હાલત ગંભીર : ભાજપ અને ટીએમસીની વચ્ચે બ્લાસ્ટને લઇને રાજનીતિ

કોલકાતા, તા. ૨ : પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના ઉત્તરીય ઉપનગર દમદમના બજાર વિસ્તારમાં બહુમાળી ઇમારતની સામે આજે થયેલા વિસ્ફોટમાં એક બાળકનું મોત થઇ ગયું હતું. આ વિસ્ફોટમાં અન્ય ૧૦  લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા સાત વર્ષના બાળકને હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ટીએમસીએ આ વિસ્ફોટની પાછળ ભાજપ અને સંઘના લોકોનો હાથ હોવાની વાત કરી રહી છે ત્યારે ભાજપે કહ્યું હતું કે, ટીએમસી દ્વારા રાજનીતિ રમવાના પ્રયાસ થઇ રહ્યા છે. એક પોલીસ અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, વિસ્ફોટની ઘટના દમદમ પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યસ્ત ગણાતા કાઝીપારા ક્ષેત્રના વિસ્તારમાં બની હતી. એક ફળફળાદીની દુકાનની બહાર સવારે ૯ વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. ઘાયલોને સરકારી આરજીકાર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉચ્ચ તીવ્રતાવાળો બ્લાસ્ટ હોવાનો દાવો પોલીસ કરી રહી છે. પોલીસના કહેવા મુજબ ચાર લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટમાં કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરાયો હતો તે અંગે જાણી શકાયું નથી. બ્લાસ્ટ પાછળ રહેલા લોકોની માહિતી મેળવવાના પ્રયાસ શરૃ થયા છે. તૃણમુલના લોકોનું કહેવું છે કે, ભાજપ અને સંઘના લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ટીએમસીના નેતા અને કાર્યકરો ઉપર ભાજપે પણ વળતા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, મમતા બેનર્જીની પાર્ટીના લોકો રાજનીતિ રમવાના પ્રયાસ કરી રહ્યા છે. ટીએમસીની રાજનીતિ ખતરનાક દિશામાં આગળ વધી રહી છે. બીજી બાજુ આ બ્લાસ્ટની ઘટનામાં ઉંડી તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ કોઇ વિગત ખુલી શકશે. પોલીસના કહેવા મુજબ ઘાયલ થયેલા તમામ ૧૦ લોકોને ઉચ્ચસ્તરીય સારવાર અપાઈ રહી છે.

(7:08 pm IST)