Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કૌભાંડી નિરવની ૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત એટલે રીકવરી નહિ

ભારતના કાયદા-કાનૂન અનુસાર જ્યાં સુધી કોર્ટ આરોપીને દોષિત ન ઠેરવે ત્યાં સુધી તપાસ કરતી એજન્સી મિલ્કતો વેચી શકતી નથીઃ લાંબો સમય લાગતો હોય છે : સંપત્તિ જપ્ત થાય એટલે તપાસ એજન્સીની જવાબદારી વધી જાય છેઃ કાર, મકાન, ઝવેરાત વગેરેને 'જમાઈ'ની જેમ સાચવવા પડે છેઃ નાણા મંત્રાલયની મંજુરી પણ લેવાની રહે છે

નવી દિલ્હી, તા. ૨ :. પંજાબ નેશનલ બેન્કને કરોડોનો ચૂનો લગાવી ફરાર થઈ જનાર જ્વેલર નિરવ મોદીની ગઈકાલે ઈડીએ રૂ. ૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ભારત સહિત પાંચ દેશોમાં નિરવ મોદીના વૈભવી એપાર્ટમેન્ટ, બેંક ખાતાઓ, જ્વેલરી સહિતની મિલ્કતો કે જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તે જપ્ત એટલે કે એટેચ કરવામાં આવી હતી. જો કે આ જપ્ત થયેલી સંપત્તિનો એવો અર્થ નથી કે બેંકની વસુલાત થઈ જશે.

ચાના કપ અને હોઠ વચ્ચે અંતર રહે તેટલુ અંતર સંપત્તિ જપ્ત અને વસુલાતના મામલે થાય તેવુ જણાય છે. અત્રે નોંધનીય છે કે ટુ-જી સ્કેમમાં ઈડીએ જપ્ત કરેલી રૂ. ૨૦૦ કરોડની મિલ્કત હજુ તે વેચી શકવા સમર્થન થયુ નથી ત્યારે પ્રશ્ન થાય છે કે હવે શું થશે ?

ઈડીએ જપ્ત કરેલી મિલ્કતોનું પહેલા વેલ્યુએશન કરવામાં આવતુ હોય છે. ફેબ્રુઆરીમાં ઈડીએ રૂ. ૫૧૦૦ કરોડના હીરા અને સોનુ જપ્ત કર્યુ હતું પરંતુ તેનુ વેલ્યુએશન કરવામાં આવતા તે રૂ. ૨૦૦૦ કરોડનું થયુ હતું. જ્યારે પણ મિલ્કતો જેમ કે ઘર, કાર વગેરે જપ્ત કરવામા આવતા હોય છે ત્યારે તપાસ કરતી એજન્સીની જવાબદારી વધી જાય છે. વેંચવી હોય તો તેની યોગ્ય કિંમત મેળવવી પડે છે. જપ્ત કરેલી સંપત્તિ જાળવી રાખવી તે પણ એક સમસ્યા છે. સરકાર પણ વિચારે છે કે, આવો પ્રશ્ન થાય ત્યારે શું કરવું ?

જ્યાં સુધી આરોપીને કોર્ટ દોષિત ઠેરવતી નથી ત્યાં સુધી તપાસ કરતી એજન્સી જપ્ત કરેલી મિલ્કતો વેંચી શકતી નથી. આવા મામલા સમય લેતા હોય છે. આવા કેસમાં યોગ્ય પ્રોસીઝરને અનુસરવુ પડતુ હોય છે. એટલુ જ નહિ નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ સમક્ષ પણ દસ્તાવેજો રજુ કરવાના રહે છે.

આવા સંજોગોમાં જો આરોપી અપીલ કરે તો તેને ૧૫૦ દિવસ મળી જતા હોય છે અને જો ચુકાદો ઈડીની તરફેણમાં આવે તો તે વેચવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

(6:23 pm IST)