Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધીજીની આત્મકથા મલયાલમ ભાષામાં સૌથી વધુ વેચાય છે

અમદાવાદ,તા.૨: ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ ૧૯૨૭માં પ્રકાશિત થઇ હતી. કદાચ જાણીને આશ્ચર્ય પણ થશે કે, પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થયેલી ગાંધીજીની આત્મકથાઓમાં મલયાલમ ભાષામાં પ્રકાશિત થયેલી આવૃતિ સૌથી વધારે વેચાય છે.

વિવિધ ભાષાઓમાં અનુવાદિત અને પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથાનાં વેચાણના આંકડાઓની વિગતો રસપ્રદ છે. ગાંધીજીની આત્મકથા અને ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા-નવજીવન ટ્રસ્ટ-ના આંકડાઓ મુજબ, ગાંધીજીની આત્મકથાની મલયાલમ ભાષાની આવૃતિ ૧૯૯૭માં પ્રકાશિત થઇ હતી. અત્યાર સુંધી બાપુની મલયાલમ ભાષામાં પ્રકાશિત થયેલી આત્મકથાની ૭.૭૮ લાખ નકલો વેચાઇ ચૂકી છે અને વધુ એક લાખ નકલોનો ઓર્ડર નવજીવન ટ્રસ્ટમાં પેન્ડિંગ છે અને છપાઇ રહી છે. પ્રાદેશિક ભાષાઓમાં મલયાલમ પછી 'મારા સત્યના પ્રયોગો'ની તમિલમાં બીજા નંબરે સૌથી વધારે નકલો વેચાઇ છે. તમિલ ભાષાની આવૃતિની ૭ લાખથી વધુ નકલો વેચાઇ ચૂકી છે.

રસપ્રદ વાત એ છે કે, મલયાલમ ભાષામાં ગાંધીજીના આત્મકથા તો છેક ૧૯૯૭માં પ્રકાશિત થઇ. આમ છતાં પણ તેની ૭.૭૮ લાખ નકલો વેચાઇ ચૂકી છે અને હજુ પણ મોટો પ્રમાણમાં વેચાઇ રહી છે. આ સમખામણીમાં, બાપુની આત્મકથા ગુજરાતીમાં સૌથી પહેલા એટલે કે ૧૯૨૭માં પ્રકાશિત થઇ હતી. પણ અત્યાર સુંધીમાં ગુજરાતી ભાષ।માં તેમની આત્મકથાની માંડ ૬.૨૯ લાખ નકલો વેચાઇ છે. ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતીમાં લખી હતી. તેમના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઇએ તેમની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો અને અંગ્રેજી આવૃતિ ૧૯૨૭માં પ્રકાશિત થઇ હતી.

 કરેળમાં ગાંધી વિચારનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાઓને કારણે પણ ગાંધીજીની આત્મકથાના વેચાણમાં વધારો થયો છે. કેરળમાં ઘણી વ્યક્તિઓ લગ્નપ્રસંગે કંકોતરીની સાથે સાથે ગાંધીની આત્મકથાને ભેટ આપે છે. આ બધા કારણોસર, ગાંધીજીની આત્મકથા મલયાલમ ભાષામાં વધુ વેચાય છે".નવજીવન ટ્રસ્ટ દ્વારા અંગ્રેજી સહિત કુલ ૧૬ ભાષાઓમાં 'મારા સત્યનાં પ્રયોગો' પ્રકાશિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ 'મારા સત્યના પ્રયોગો' કાશ્મિરી ભાષામાં પણ પ્રકાશિત થશે. આ સિવાય કુલ ૩૦ વિદેશી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા પ્રકાશિત થયેલી છે. વિશ્વ પ્રસિદ્ધ કેટલીક ટોચની આત્મકથાઓમાં 'મારા સત્યના પ્રયોગો'નો સમાવેશ થાય છે."

આગામી ઓક્ટોબર મહિનાથી ગાંધીજીની ૧૫૦મી જન્મજંયતિ ઉજવાશે. આ ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીની આત્મકથા વધુને વધુ લોકો સુંધી પહોંચે એ માટે તેની કિંમત રૂપિયા ૮૦થી ઘટાડીને રૂપિયા ૫૦ કરી દેવામાં આવી છે.

(3:20 pm IST)