Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સિંગાપોર અને ભારત : સ્વચ્છ ભાવિ અંગે પરસ્પરનું વિઝન : લી હેઇન લૂંગ

ચાર વર્ષ દરમિયાન ૮૬ મિલિયનથી વધુ શૌચાલયોનુ બાંધકામ કરીને લગભગ પાંચ લાખ (૪,૭૦,૦૦૦) જેટલાં ગામડાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત કરીને ભારતે ઘણી પ્રગતિ સાધી છે : સિંગાપોરને આઝાદી મળી ત્યારે ઘણા ઘરોમાં ગટર નહોતી : મળને ડોલમાં એકત્ર કરવામાં આવતું : ગંધ મારતી ટ્રકોમાં સુએઝ પ્લાન્ટમાં લઇ જવાતું : અનેક આરોગ્યની સમસ્યા સર્જાતી : અમારા દેશના સ્થાપક મહાનુભાવોએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો નિર્ણય લીધો. તેમણે 'સિંગાપોરને સ્વચ્છ રાખો' (Keep Singapore Clean) નામની ઝુંબેશ શરૃ કરીઃ અમે દરેક ઘરને ગટરની વ્યવસ્થા પૂરી પાડીઃ અમારી નદીઓ સાફ કરીને સિંગાપોરને સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવ્યું ખાસ કરીને અમે સિંગાપોર નદીને સ્વચ્છ કરી. આ પ્રક્રિયા દરમિયાન અમારે જમીન પર કબજો જમાવી બેઠેલા હજારો લોકો ઘરના વરંડામાં ચાલતા ઉદ્યોગો, પિગ ફાર્મ તથા નદીના જળસ્ત્રાવ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા અન્ય અનેક સ્રેતોને ખસેડવા પડ્યા હતાઃ આજે એક સ્વચ્છ સિંગાપોર નદી શહેરના મરીના જળાશયમાં થઈને પસાર થાય છે અને અમારા માટે પાણી પૂરવઠાનો રાષ્ટ્રીય સ્રેત બની રહી છે

નવી દિલ્હી તા. ૨ : ૧૫૦મી ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી શરૃ થઇ રહી છે ત્યારે સિંગાપોરના વડાપ્રધાન લી હેઇન લૂંગે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, ચાર વર્ષ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૯ સુધીમાં 'કિલન ઇન્ડિયા'ના વિઝન સાથે સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો હતો. આ વિઝન સાથે બંધ બેસે તે રીતે ૨૦૧૯નું વર્ષ એ સ્વચ્છતાને રાષ્ટ્રીય મહત્તા આપનારા અને એ માટે ઝુંબેશ ચલાવનારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ પણ છે. વિતેલાં ચાર વર્ષ દરમિયાન ૮૬ મિલિયનથી વધુ શૌચાલયોનુ બાંધકામ કરીને લગભગ પાંચ લાખ (૪,૭૦,૦૦૦) જેટલાં ગામડાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત કરીને ભારતે ઘણી પ્રગતિ સાધી છે.

સિંગાપોર પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયું છે. આઝાદી મળી ત્યારથી અમે સ્વચ્છ અને હરિયાળુ (ગ્રીન) જીવન જીવવા માટેનું વાતાવરણ ઊંભુ કરવા માટે સખત પરિશ્રમ કર્યો છે. અગાઉના દિવસોમાં ઘણાં ઘરોમાં ગટર નહોતી. મળને ડોલમાં એકત્ર કરવામાં આવતું હતું અને ગંધ મારતી ટ્રકોમાં સ્યુએઝ પ્લાન્ટમાં લઈ જવામાં આવતું હતું. ઘણી વાર આ માનવ કચરાને વહેતા પાણીમાં તથા નદીઓમાં વહાવી દેવામાં આવતો હોવાથી પાણી પ્રદૂષિત અને ઝેરી બનતુ હતું. જીવનની બિનઆરોગ્યપ્રદ હાલતને કારણે લોકો માટે વારંવાર પાણીજન્ય રોગો ફાટી નિકળતા અને આવી ઘણી આરોગ્યની સમસ્યાઓ ઊભી થતી હતી.

અમારા દેશના સ્થાપક મહાનુભાવોએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો નિર્ણય લીધો. તેમણે 'સિંગાપોરને સ્વચ્છ રાખો' (Keep Singapore Clean) નામની ઝુંબેશ શરૃ કરી. અમે દરેક ઘરને ગટરની વ્યવસ્થા પૂરી પાડી. અમારી નદીઓ સાફ કરીને સિંગાપોરને સ્વચ્છ અને હરિયાળું શહેર બનાવ્યું ખાસ કરીને અમે સિંગાપોર નદીને સ્વચ્છ કરી. આ પ્રક્રિયા દરમિયાન અમારે જમીન પર કબજો જમાવી બેઠેલા હજારો લોકો ઘરના વરંડામાં ચાલતા ઉદ્યોગો, પિગ ફાર્મ તથા નદીના જળ સ્ત્રાવ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા અન્ય અનેક સ્રેતોને ખસેડવા પડ્યા હતા. આજે એક સ્વચ્છ સિંગાપોર નદી શહેરના મરીના જળાશયમાં થઈને પસાર થાય છે અને અમારા માટે પાણી પૂરવઠાનો રાષ્ટ્રીય સ્રેત બની રહી છે.

ભારત, સિંગાપોરની તુલનામાં ખૂબ જ અલગ પ્રકારનો દેશ છે. સિંગોપોર નદી કરતાં ગંગા નદી હજારો ગણી વધારે લાંબી છે. આમ છતાં પણ સિંગાપોર અને ભારતની સ્વચ્છતા માટેની યાત્રા કેટલીક બાબતોમાં સમાંતરપણે કદમ મિલાવતી નજરે પડે છે.

પ્રથમ તો બંને દેશોને મહત્વપૂર્ણ વિઝન અને નેતૃત્વ ધરાવતુ નેતૃત્વ પ્રાપ્ત થયું છે. સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી લી કુઆન યુ અને પ્રધાનમંત્રી મોદી બંનેએ દેશને સ્વચછ અને હરિયાળા બનાવવાની ઝુંબેશને અગ્રતા આપી છે. તેમણે વ્યકિતગત રીતે જાહેર અભિયાનોની આગેવાની લીધી છે અને જન સમુદાયને સક્રિય બનાવ્યો છે. તેમણે સાવરણા પકડ્યા છે અને લોકોની સાથે મળી શેરીઓની સફાઈ કરવામાં જોડાયા છે. પ્રધાનમંત્રી શ્રી મોદી જણાવે છે કે શ્રીમાન લી, એ મારા માટે એક 'વ્યકિતગત પ્રેરણા' છે. આ પ્રેરણા તેમને શ્રીમાન લી ના વિચાર 'રાષ્ટ્રના પરિવર્તનની શરૃઆત આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેમાં પરિવર્તનથી શરૃ થાય છે' માંથી મળી છે. સાચે જ, સ્વચ્છ ભારત મિશન એ ભારતના પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો માત્ર કાર્યક્રમ નથી પરંતુ 'આપણે જે પ્રકારે વિચારીએ છીએ અને કામ કરીએ છીએ તેમાં પરિવર્તનની વાત છે.'

બીજુ, સફળતા લાંબા ગાળાની રાષ્ટ્રીય નિષ્ઠા માંગી લે છે. સિંગાપોરે સ્યુએઝ માસ્ટર પ્લાનનો અમલ કર્યો અને અમારા સ્યુએઝ અને ડ્રેનેજ નેટવર્કને અલગ કર્યું. આવું કરવાનો હેતુ વરસાદી પાણી દૂષિત થતુ અટકાવવા માટે હતો. જેથી આ પાણીને એકત્ર કરીને ઉપયોગમાં લઈ શકાય. સિંગાપોર સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીને રિસાયકલ કરી તેને ફરી ઉપયોગમાં લે છે. આ પાણીને રિવર્સ ઓસ્મોસિસ પદ્ઘતિ મારફતે શુદ્ઘ કરવામાં આવે છે અને નવું અલ્ટ્રા કિલન હાઈ- ગ્રેડ પીવાલાયક પાણી તૈયાર કરવામાં આવે છે. અમારી એક સમસ્યા હતી કે વપરાયેલા પાણીનું શું કરવું અને અમે તેનો ઉપયોગ પાણીની અછત નિવારવા માટે કર્યો.

ભારતમાં સ્વચ્છ ભારત મિશન માટે રાષ્ટ્ર વ્યાપી ઝૂંબેશ ચાલી રહી છે. તેના સહયોગીઓમાં ઉદ્યોગો અને શાળાઓ મારફતે ઉત્ત્।મ પરિણામો મળ્યા છે. '૨૦૧૮ યુનિસેફ ડ્રીંકીંગ વોટર, સેનિટેશન એન્ડ હાઈજીન ઈન સ્કૂલ્સઃ ગ્લોબલ બેઝ લાઈન રિપોર્ટ'માં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૬ સુધીમાં ૫૦ ટકાની તુલનાએ ભારતની લગભગ તમામ શાળાઓમાં સેનિટેશનની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ત્રીજુ, સિંગાપોર અને ભારત બંને આંતરરાષ્ટ્રીય સહયોગનું મૂલ્ય સમજે છે. એક જ સમાધાન અલગ-અલગ દેશોમાં કામ આવી શકે નહીં, પરંતુ આપણે અન્ય પાસેથી શીખ લઈને અને અનુભવની વહેંચણી દ્વારા લાભ મેળવી શકીએ. હું ભારતને પ્રથમ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવું છું. જેમાં દુનિયાભરનાં અગ્રણીઓ, વ્યવસાયિકો અને નિષ્ણાંતોએ સાથે મળીને સ્વચ્છતા અંગેની પોતાની વાત રજૂ કરી હતી. સિંગાપોર પણ દ્વિવાર્ષિક વર્લ્ડ સિટી સમિટ અને સિંગાપોર ઈન્ટરનેશનલ વોટર વિકનું આયોજન કરે છે. વર્ષ ૨૦૧૩માં વિશ્વના સ્વચ્છતાના પડકારો અંગે જાગૃતિ કેળવવા માટે સંયુકત રાષ્ટ્રએ સિંગાપોરનો ઠરાવ 'સેનિટેશન ફોર ઓલ' અપનાવ્યો હતો અને ૧૯ નવેમ્બરને વિશ્વ શૌચાલય ડે (World Toilet Day) તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

સિંગાપોર તેનો અનુભવ ભારત સાથે વહેંચતાં આનંદ અનુભવે છે અને તેણે રહેવા માટે યોગ્ય અને પર્યાવરણલક્ષી શહેરોનું દેશમાં નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે. સિંગાપોરે ભારતના નગરો અને શહેરોની આયોજન સંસ્થાઓ સાથે સહયોગ કરીને ૧૦૦ અધિકારીઓને નગર આયોજન અને પાણી અને કચરાના વ્યવસ્થાપન અંગે તાલિમ આપી છે. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજયો સાથે સહયોગ માટે પણ સિંગાપોર આશાવાદી છે અને આ રાજયોને તેમના શહેરો વિકાસવવા માટે શહેરી સમાધાનો પૂરાં પાડશે.

હું પ્રધાનમંત્રી મોદી અને ભારતના લોકોને સ્વચ્છ ભારત અભિયાન અને 'કિલન ઈન્ડિયા' ઝૂંબેશ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બંને દેશો આગામી પેઢી માટે સ્વચ્છ પાણી અને સ્વચ્છતા અંગે સંયુકત રાષ્ટ્રના પર્યાવરણલક્ષી વિકાસનું ધ્યેય સાકાર કરે તેવી શુભેચ્છા આપુ છું. તેમ સિંગાપોરના વડાપ્રધાન શ્રી લી હેઇન લૂંગે અંતમાં જણાવ્યું છે.

(12:08 pm IST)