Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મને ખુશ રાખવા માટે તાત્કાલિક ટ્રેડ ડીલ કરવા ઇચ્છે છે ભારત : ટ્રમ્પ

ટ્રમ્પે થોડા દિવસોમાં બીજી વખત અમેરિકાની પ્રોડકટ્સ પર લગાવાતા ટેકસને લઇને હુમલો કર્યો

વોશિંગ્ટન તા. ૨ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત પર અમેરિકાના ઉત્પાદનો પર ડ્યૂટી લગાવવાને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે, ભારત અમેરિકા સાથે માત્ર તેને ખુશ કરવા માટે વેપાર સમજૂતી કરવા ઈચ્છે છે. ટ્રમ્પે થોડા દિવસોની અંદર બીજી વખત અમેરિકાની પ્રોડકટ્સ પર લગાવાતા ટેકસને લઈને હુમલો કર્યો છે.

ટ્રમ્પે ભારતને 'ટેરિફ કિંગ'ની પદવી આપી દીધી અને કહ્યું કે, ભારત અમેરિકાની પ્રોડકટ્સ પર વધુ ટેકસ લગાવે છે. ટ્રમ્પ કહ્યું કે, જયારે તેમણે આટલો જ ટેકસ ભારતના ઉત્પાદનો પર લગાવવાની વાત કહી હતી, ત્યારે ભારતે કહ્યું હતું કે, તે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા ઈચ્છે છે.

આ ઉપરાંત ટ્રમ્પે રિપોર્ટરોને કહ્યું કે, જયારે અમેરિકાના અધિકારીઓએ ભારતને પૂછ્યું કે, તે કેમ અમેરિકાની સાથે વેપાર સમજૂતી કરવા ઈચ્છે છે, તો તેણે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિને ખુશ કરવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, ભારત, અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા ઈચ્છુક છે. તો વ્હાઈટ હાઉસના એક સીનિયર અધિકારીએ આજે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વહીવટી તંત્ર ભારત સાથે વેપાર સમજૂતી કરવા ઈચ્છે છે, પરંતુ હાલમાં તેના વિશે વાત કરવી ઉતાવળ ગણાશે.(૨૧.૮)

(12:03 pm IST)