Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઈ-વે બીલના નવા નિયમો લાગુઃ ગોરખધંધા ઉપર હવે લાગશે લગામ

જે ટ્રાન્સપોર્ટર થકી માલ મોકલવામાં આવી રહ્યો હોય તેનુ નામ આપવાનું હવે ફરજીયાત બન્યુઃ ટ્રાન્સપોર્ટરોની ઓળખ છુપાવી કાચા બીલ પર માલ મોકલવાની ગેરરીતિ હવે થઈ નહિ શકેઃ હવે એસએમએસથી મળશે એલર્ટઃ આપોઆપ જોવા મળશે ટેકસના દરોઃ પીનકોડ નાખતા જ રાજ્યની પસંદગી થઈ જશે

નવી દિલ્હી, તા. ૨ :. જીએસટી પ્રણાલી હેઠળ ઈ-વે બીલ જારી કરવામાં ટ્રાન્સપોર્ટરોની ઓળખ છુપાવીને કાચા બીલ પર માલ મોકલવાની ગેરરીતીને રોકવા માટે સરકારે કમરકસી છે. સરકારે ગઈકાલથી દેશભરમાં ઈ-વે બીલ જારી કરવાવાળા તંત્રમાં સુધારો કર્યો છે. હવે ઈ-વે બીલ જારી કરવા માટે એ ટ્રાન્સપોર્ટરનું નામ આપવાનું ફરજીયાત કરી કર્યુ છે જે થકી માલ મોકલવામાં આવી રહ્યો હોય. એટલુ જ નહિં આમા કેટલીક એવી સગવડતા પણ કરી દીધી છે કે જેથી નાના વેપારીઓ ખુદ પોતાનું ઈ-વે બીલ જારી કરી શકે અને આ માટે તેણે સીએ કે અન્ય પ્રોફેશનલોની મદદ લેવી નહી પડે.

જીએસટી નેટવર્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે ગઈકાલથી દેશભરમાં ઈ-વે બીલ જારી કરવાની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. પહેલા વેપારી ઈ-વે બીલ જારી કરવાના લઈને પાર્ટ-૨ સ્લીપ જનરેટ કરવા માટે પાર્ટ-બીને અધુરો છોડી દેતા હતા. પાર્ટ-બીમાં ટ્રાન્સપોર્ટરોને જીએસટીએનથી આપવામાં આવેલ આઈડી અને અન્ય માહિતી આપવાની હોય છે. પહેલા આ માહિતી વગર પણ બીલ જારી થઈ જતુ હતું, પરંતુ હવે પહેલા પાર્ટ-બીને ભરી સેવ કરવાનું હોય છે પછી પાર્ટ-એ જનરેટ થશે.

સૂત્રોનું કહેવુ છે કે, મોટાભાગે કાચા બીલ પર માલ મોકલનાર વેપારી આવુ કરતા હતા. કયારેક કયારેક તો એક બીલ માટે ઈ-વે બીલ જનરેટ કર્યુ અને તેમા જ ઘોષીત મૂલ્યથી વધુ સામાનનું વહન કરી દેવાતુ હતું. આ પ્રકારના ગોરખધંધા સ્થાનિક અને આસપાસના માલ પરિવહનમાં વધુ થતા હતા.

પ્રણાલીમા સુધારા બાદ હવે વેપારી જેવા ઈ-વે બીલ જારી કરવા માટે સામાનનો કોડ નાખશે તો તરત જ સીસ્ટમ આપમેળે તેના પર આપવાના જીએસટીના દર રેટ લઈ લેશે. મતલબ એ સામાન પર કેટલા ટકા સીજીએસટી, કેટલા આઈજીએસએટી અને કેટલુ આઈજીએસટી લાગશે ? તેની ગણતરી ખુદ કરી લેશે. પહેલા તેને વેપારીએ ભરવા પડતા હતા અને તેમા કાયમ ભૂલ થતી હતી. એટલુ જ નહિ હવે તેમા એક નવુ ખાનુ શેષ નોન એડવેલ એમાઉન્ટ એન્ડ અધ્ધર વેલ્યુ પણ શરૂ કરવામાં આવેલ છે.

જો કે કોઈ વેપારીનુ ઈ-વે બીલની વેલ્યુ ૧૦ કરોડથી વધુ હશે તો વેપારીને એસએમએસ પર એલર્ટ મળશે આનો ફાયદો એ થશે કે કોઈ વેપારી ટાઈપીંગની ભૂલથી આવુ કરશે તો તે સુધારી શકશે.

હવે સીસ્ટમમાં એક વધુ સુધારો કરવામાં આવ્યો છે. પીનકોડ નાખતા જ રાજ્યની પસંદગી થઈ જશે. મેન્યુઅલી તેમા ભૂલ થતી હતી.(૨-૧)

(11:58 am IST)