Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હવે દેખાવો દરમ્યાન હિંસાથી નુકશાન પર ચૂકવવું પડશે વળતર

કોર્ટે નિર્દેશ જારી કર્યાઃ મોબ લિંચિંગ પર ગાઇડલાઇન્સ પણ લાગુ થશેઃ કાયદાના સ્વયંભુ ઠેકેદાર બનવાનો કોઇને હક્ક નથી

નવી દિલ્હી તા. ર :.. પ્રદર્શન દરમ્યાન જાન માલને નુકશાન પહોંચાડવાના બનાવોને સુપ્રીમે ગંભીરતાથી લઇને તેને રોકવા માટે દિશા નિર્દેશો બહાર પાડયા છે. પોલીસ ઓફીસરોની જવાબદારી નકકી કરીને કહેવાયું છે કે આવા નુકસાન માટે પીડીતને વળતર આપવામાં આવે. પોલીસે જો લાપરવાહી કરી હોય તો તેના પર ખાતાકીય પગલા લેવામાં આવે. દેશભરમાં સીનેમા ઘરો, થીયેટરો અને બીજી સાંસ્કૃતિક સંસ્થાઓ વિરૂધ્ધ ફિલ્મ પ્રદર્શન અથવા સાંસ્કૃતિક પ્રોગ્રામની વિરૂધ્ધ થતી હિંસાઓ સામે કરાયેલી અરજી પર સુપ્રીમે આ આદેશ આપ્યો હતો. સુપ્રિમે કહયું કે ૧૭ જૂલાઇએ મોબ લીંચીંગ કેસમાં જે આદેશો અપાયા હતા, તે પણ ભીડ દ્વારા કોઇનો જીવવ લેવા પર લાગુ પડશે. બીજા આદેશો સરકાર ૮ સીપ્તાહમાં લાગુ કરવાનું કહેવાયું છે. ચીફ જસ્ટીસ દિપક મિત્રા, જસ્ટીસ એ. એમ. ખાનવીલકર અને જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડની બેંચે પોતાના ચુકાદામાં કહયું કે અમને એ ચિંતા છે કે કેટલાક લોકો અથવા ગ્રુપ ગુનો કરે છે અને પોતાની જાતને નૈતિકતાના રક્ષક માને છે. આવા લોકો ગેરકાયદેસર રીતે પોતાના પાવરનો ઉપયોગ કરે છે. તેમને રોકવા માટે ઉપચારાત્મક અને દંડાત્મક જોગવાઇ જરૂરી છે.

કોર્ટે બતાવ્યા ઉપાય

નોડલ ઓફીસર (એસ. પી. રેંક) એવા તમામ થિયેટર, સાંસ્કૃતિક સંસ્થાઓનું લીસ્ટ બનાવે, જયાં છેલ્લા પાંચ વરસમાં તોફાન થયા હોય. જો કોઇ વ્યકિત શાંતિપૂર્ણ પ્રદર્શનમાં પણ હથિયાર લઇને જાય તો એવું માનવામાં આવે કે તે હિંસા કરી શકે છે. રાજયો પાસે રેપીડ રીસ્પોન્સ ટીમ હોવી જોઇએ, જે ભીડ હીંસા પર તરત એકશન લે. હિંસાના મામલાઓ માટે એક સ્પેશ્યલ હેલ્પ લાઇન હોવી જોઇએ. પોલીસ સાયબર સુચના પોર્ટલ પણ બનાવે.

તાલમેલની જરૂર

નોડલ ઓફીસર ફાયર બ્રિગેડ, હોસ્પીટલ અને સ્થાનીક પોલીસ જેવી સ્થાનીક ઇમરજન્સી સર્વિસ સાથે કો-ઓર્ડીનેશન જાળવી રાખે જેથી તેનો ઉપયોગ થઇ શકે. ભીડને કંટ્રોલ કરવા માટે વોરકેનન, આંસુ ગેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે. તોફાન કરવા વાળાની ધરપકડ કરવામાં આવે. નોડલ ઓફીસર હિંસાવાળી જગ્યાએ સોશ્યલ મીડીયા પર કંટ્રોલ રાખવા પગલા લે.

ભીડને ઉકસાવનારા પર પણ કેસ થાય

જો તોફાનના કારણે ખાનગી અને સરકારી સંપતિને નુકશાન થાય તો આવા તોફાન માટે ઉકસાવનાર અથવા સોશ્યલ મીડીયા પર આ માટે ઉકસાવનારાઓ વિરૂધ્ધ આઇ. પી. સી.ની કલમ-૧પ૩, ર૯પ, ર૯૮ અને ૪રપ હેઠળ કેસ દાખલ થાય. જો કોઇ ગ્રુપે તોફાન કર્યુ હોય તો તેના હોદેદારોની પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરવામાં આવે. તોફાનના કારણે કોઇનું મોત થયું હોય અથવા સંપતીને નુકશાન થયું હોય તો આરોપીને શરતી જામીન આપી શકાશે.

(11:55 am IST)