Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઓ હો હો... ગુજરાતીઓએ ૪ મહિનામાં જાહેર કર્યુ ૧૮૦૦૦ કરોડનું કાળુનાણુ

કેન્દ્ર સરકારની આઈડીએસ હેઠળ ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬માં જાહેર કરી : રૂ. ૧૮૩૦૩.૫૯ કરોડની આવકઃ આરટીઆઈ હેઠળ બહાર આવી ચોંકાવનારી વિગતોઃ દેશભરમાં જાહેર થયેલ રૂ. ૬૫૨૫૦ કરોડના ૨૯ ટકા જેટલી રકમ ગુજરાતથી જાહેર કરવામાં આવીઃ આયકર વિભાગે રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, બ્યુરોક્રેટસ દ્વારા જાહેર કરવામાં આવેલ આવક અંગે મૌન સેવ્યું

નવી દિલ્હી, તા. ૨ :. કેન્દ્ર સરકારની ઈન્કમ ડેકલેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬માં ચાર મહિનાની અંદર જ રૂ. ૧૮૦૦૦ કરોડનું કાળુનાણુ જાહેર કર્યુ હતું. આ દરમિયાન દેશમાં બહાર આવેલ કાળા નાણાના આ ૨૯ ટકા જેટલુ કહી શકાય તેટલુ છે.

જૂન અને સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન નોટબંધીની પહેલા આ કાળાનાણા અંગે આઈડીએસ હેઠળ જાહેર કરવામાં આવ્યુ હતું. અત્રે એ નોંધનીય છે કે, પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા રૂ. ૧૩૮૬૦ કરોડની ગેરકાનૂની આવકનો ખુલાસો કરવા અને નોટબંધીની ચર્ચા આવી તે પહેલા આ કાળાનાણાની જાહેરાત કરવામાં આવી હતી. એક આરટીઆઈના જવાબમાં આયકર વિભાગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આઈડીએસ હેઠળ જૂન ૨૦૧૬થી સપ્ટે. ૨૦૧૬ દરમિયાન ૧૮૦૦૦ કરોડ રૂપિયાની આવક જાહેર કરવામા આવી હતી. આ યોજના હેઠળ કુલ ઘોષીત કરવામાં આવેલ ૬૫૨૫૦ કરોડ રૂ.ના તે ૨૯ ટકા છે.

કાળુનાણુ અને બીનહિસાબી આવક ગુજરાતીઓએ કેટલી જાહેર કરી ? તે અંગે આ આરટીઆઈનો જવાબ આવકવેરા વિભાગ દ્વારા લગભગ બે વર્ષ બાદ આપવામાં આવ્યો છે. અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા આઈડીએસ હેઠળ રૂ. ૧૩૮૬૦ કરોડની આવક જાહેર કરવામાં આવ્યા બાદ ભરતસિંહ ઝાલા નામના શખ્સે ૨૧ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. જો કે પહેલા હપ્તાના ચુકવણા મુજબ ગરબડ બાદ મહેશ શાહનું આઈડીએસ રદ્દ કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે જો કે રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને સરકારી બાબુઓએ જાહેર કરેલી આવક અંગે મૌન સેવ્યુ છે. આરટીઆઈ કવેરીના જવાબમાં ઈન્કમ ટેક્ષ વિભાગે જણાવ્યુ છે કે, આઈડીએસ હેઠળ ૩૦ સપ્ટે. ૨૦૧૬ પહેલા એટલે કે આ સ્કીમ બંધ થઈ તે પહેલા રૂ. ૧૮૩૦૩.૫૯ કરોડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ અંગે આરટીઆઈ હેઠળ જવાબ માંગનાર ઝાલાએ કહ્યુ છે કે બે વર્ષના સંઘર્ષ બાદ મને આ માહિતી મળી છે. તેમણે જણાવ્યુ છે કે, પહેલા એ લોકોએ મારી અરજી રફેદફે કરી હતી તે પછી વિભાગે ગુજરાતી ભાષામાં અરજીનો હવાલો આપતો માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. હવે આ વર્ષે ૫ મી સપ્ટેમ્બરે સીઆઈસીએ દિલ્હીમાં આયકર વિભાગને માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકારે ૨૦૧૬માં આઈડીએસની જાહેરાત કરી હતી. જે હેઠળ જૂન ૨૦૧૬થી સપ્ટે. ૨૦૧૬ વચ્ચે લોકોએ પોતાની ગુપ્ત આવક જાહેર કરી હતી. ઘોષણા બાદ પ્રથમ ઈન્સ્ટોલમેન્ટમાં નવે. ૨૦૧૬ સુધી ૨૫ ટકા રકમનું ચુકવણુ કરવાનુ હતુ જ્યારે બીજા હપ્તામાં માર્ચ ૨૦૧૭ સુધી ૨૫ ટકા રકમ ચુકવવાની હતી. આ સિવાય બાકી રકમને નવે. ૨૦૧૭ સુધીમાં ચુકવી દેવાની હતી.(૨.૪)

(11:55 am IST)