Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નારાજ પત્નીને ગયો હતો લેવા : કિડનેપર સમજી થઇ ધોલાઇ

નોએડા તા. ૨ : નારાજ પત્નીને કારમાં જબરજસ્તીથી લઈ જવાની કોશિશ કરવી પતિને ખૂબ જ ભારે પડી હતી. પત્નીની ચીસોથી પતિ અને તેના દોસ્તને અપહરણકર્તા સમજીને ભીડે ખૂબ જ ધોલાઈ કરી હતી. સૂચના મળતાં જ પોલીસે બન્નેને ભીડના હુમલાથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

પોલીસના જણાવ્યાનુસાર ખિચડીપુર દિલ્હી નિવાસી યુવકના લગ્ન ત્રણ વર્ષ પહેલા નિઠારી નિવાસી યુવતી સાથે થયા હતાં. બન્નેના બે બાળકો પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી બન્ને વચ્ચે ઘરનો મામલો ચાલતો હતો. જેને લીધે તે પિયર પહોંચી હતી. આ કારણે તે પત્નીને સાથે લઈ જવા માટે આવ્યો હતો. જયારે તે ના માની ત્યારે તેને જબરજસ્તીથી કારમાં બેસાડવા લાગ્યો હતો. આ જ દરમિયાન યુવકની સાળીએ કારનો પીછો કરતા ચીસો પાડવાની શરુ કરી અને કારની અંદરથી પત્ની પણ રાડો પાડવા લાગી.

બન્ને મહિલાઓનો શોર સાંભળીને રસ્તા પર જઈ રહેલા લોકોને લાગ્યું કે કોઈ કિડનેપર મહિલાનું અપહરણ કરીને લઈ જાય છે. લોકોએ કારનો રસ્તો રોકીને બન્ને યુવકોને બહાર નીકાળ્યા અને ખૂબ જ ધોલાઈ કરી. આ મારપીટમાં બન્નેને અનેક જગ્યાએ ઈજા થઈ હતી. ભીડે ગેરસમજમાં પતિ સહિત બે લોકોની પીટાઈ કરી હતી. આ મામલે અત્યાર સુધી કોઈ પક્ષ તરફથી ફરિયાદ દાખલ કરાઈ નથી.

(10:28 am IST)