Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

શિકાગોના દિવાન એવન્યુ વિસ્તારમાં આવેલ ગણેશ મંદિરમાંથી શ્રી ગણપતિ બાપાની વસમી વિદાયઃ મોટી સંખ્યામાં સપ્ટેમ્બર માસની ૨૩મી તારીખે હરિભકતોએ હાજરી આપી અશ્રુભીની આંખે અર્પેલી વિદાયઃ મંદિરના સંચાલકો તથા સ્વયંસેવક ભાઇ-બહેનોએ ખડેપગે હાજર રહી સેવાઓ કરી

 (કપિલા શાહ દ્વારા) શિકાગો :  શિકાગોના દિવાન એવન્યુ વિસ્તારમાં શ્રી ગણેશજીનું મંદિર આવેલ છે. અને તેમાં ચાલુ માસ દરમ્યાન ગણેશ ઉત્સવનું રંગેચંગે આયોજન કરવામાં આવ્યુ હતું અને આ દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં ભાઇ-બહેનો દેવોના રાજા ગણપતિજીની મૂર્તિના દર્શને આવતા હતા. અને સપ્ટંેમ્બર માસની ૨૩મી તારીખે જ્યારે તેમની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે વેળા વહેલી સવારથી હરિભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભારે હૈયે તેમને વિદાય આપી હતી.

આ પ્રસંગે આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હાજર રહેલા સૌ લોકોએ ભાગ લીધો હતો. આ દિવસે બપોરે ત્રણ વાગ્યા દરમ્યાન જ્યારે વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સર્વે લોકોએ ગણપતિ બાપાના ભજનો ગાયા હતા અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના કલરોથી છવાઇ જવા પામ્યુ હતું.

દિવાન એવન્યુ પર ગણેશ મંદિરમાં ગણપતિ બાપાના કાર્યક્રમનું જે સંચાલન કરવામાં આવ્યું તેના મુખ્ય કાર્યકરોમાં નિર્મલ ગુરૂબચ્ચન કૌર, નિલમ, કાજલ, મિતા અને રાહુલ હતા અને આ મંદિરના બે પુજારીઓ દેવેન્દર અને નાગેન્દ્ર રાવે પણ આ સમય દરમ્યાન ધાર્મિક વિધિમાં અનેરો સહયોગ આપ્યો હતો. આ ધાર્મિક દિવસો દરમ્યાન શિકાગો તથા તેની આજુબાજુના પરા વિસ્તારમાં વસવાટ કરતા ભાઇ-બહેનોએ ગણપતિ બાપાની મૂર્તિના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી.

(11:22 pm IST)