Gujarati News

Gujarati News

News of Monday, 2nd October 2017


મહાત્મા ગાંધીજી

આપણો દેશ ૨ જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ઉજવે છે. ગાંધીજીનું પુરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતુ. માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમનો જન્મ ૨ જી ઓકટોબર ઈ.સ. ૧૮૬૯ ભાદરવા વદ બારસનાં રોજ પોરબંદર થયો હતો. જેને આપણે 'રેંટિયા બારસ' તરીકે ઉજવીએ છીએ. ગાંધીજીનો સમયગાળો ઈ.સ.૧૮૬૯ થી ૧૯૪૮ સુધી હતો. ઓગણીસમી સદીનાં છેલ્લાં દાયકાથી ભારતનાં રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીજીનો પ્રવેશ થાય છે.

'હરી' એટલે ભગવાન વિષ્ણુ. હરીનાં માણસો એટલે હરીનાં ભકતો.

ગાંધીજી દુબળા -પાતળા માણસ, પાતળો ચહેરો, શાંત બદામી આંખોને પહોળા મોટા કાન, સફેદ ખાદીનાં કપડામાં ઢંકાયેલું શરીરને ખુલ્લાં પગ હતા.

ગાંધીજી વકીલાતનાં વ્યવસાય અંગે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા. ત્યાં રંગભેદની નીતિનો કડવો અનુભવ થયો. સને ૧૮૯૪માં ૨૪ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઈન્ડિયન કોંગ્રસની તેમણે રચના કરી. સને ૧૯૦૧માં ભારત પાછા આવ્યા. તેમણે ભારતની પરિક્રમા કરીને રાજકીય સ્થિતિનો સારો અભ્યાસ કર્યો. તેઓ દક્ષિણ આફ્રિકાનાં હિંદવાસીઓને મળીને અનુલક્ષીને ફરીથી દક્ષિણ આફ્રિકા ગયા. તેમણે ત્યાં ભારતીયો સામેનાં એશિયાટિક ઓર્ડિનન્સ સામે પ્રથમ સત્યાગ્રહ આરંભ્યો. ઈ.સ.૧૯૦૮માં સત્યાગ્રહ માટે બે મહિનાની સજા થઈ. ભારતમાં જાગૃતિ લાવવા માટે કાયમ દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા. સને ૧૯૧૫માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. સને ૧૯૧૭માં ચંપારણ્ય સત્યાગ્રહ કર્યો. અમદાવાદમાં મિલ-માલિકો સામે ભૂખ હડતાલનું અહિંસક શસ્ત્ર ઉગામ્યુ તેઓ સને ૧૯૨૦માં ઓલ ઈન્ડિયા હોમરૂલ   લીગનાં પ્રમુખ ચુંટાયા. તેમણે સ્વાતંત્ર્ય માટે સ્વદેશી ચીજોનાં વપરાશ માટે ઉત્તેજન આપ્યુને વિદેશી વસ્તુઓનો બહિસ્કાર કરવા દેશવ્યાપી આંદોલન છેડયુ. સત્યાગ્રહની લડત હિંસક બનતાં ૧૯૨૨માં ચળવળ સંકેલી લઈ ઉપવાસ  આદર્યા. ૧૯૨૫માં લાખો ગરીબોને રેંટિયો દ્વારા રોજી આપવા અખિલ ચરખા સંઘની સ્થાપના કરી. ૧૯૩૦માં સાવ સામાન્ય  લાગતો મીઠાનો કાયદો તોડવા તેમણે દાંડીયાત્રા આરંભી અને ૨૫ દિવસ બાદ ૨૪૧ માઈલની મુસાફરી કરીને દાંડીનાં દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડી સરકારનાં જુલમી કાયદાનો ભંગ કરીને સમસ્ત દેશમાં તેમણે કાયદાભંગનો મંત્ર મુકયો. આ ચપટી મીઠાએ વિરાટ બ્રિટિશ સલ્તનતમાં લૂણો લગાડયો. ચપટી મીઠાની આ લડતને વિશ્વભરમાં પ્રસિધ્ધિ મળી.

સને ૧૯૩૧માં ઈંગ્લેન્ડમાં બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસનાં એકમેવ પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ભારતનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે બ્રિટીશ શાસનને સમજાવ્યું  પરંતુ નિષ્ફળ ગોળમેજીનો ઝેરનો કટોરો લઈ ભારત પાછા ફર્યા. ૧૯૩૩માં હરિજન ઉદ્ધાર માટે હિંદભરમાં પ્રવાસ કર્યો. ગ્રામોદ્વાર કેવો હોય તે મૂર્તિમંત્ર કરી  આદર્શ ગામડાંની રચના કરવા મધ્યપ્રદેશનાં વર્ધા પાસેનાં એક ગામડાં સેવાગ્રામમાં પોતાનું વડું મથક સ્થાપ્યુ. ૧૯૪૪માં ફેબ્રુઆરી માસમાં જીવનસંગિની કસ્તૂરબાનું પુણેનાં આગાખાન મહેલ જેલમાં અવસાન થયું.

સને ૧૯૪૨ ઓગસ્ટ આઠમી તારીખે 'ભારત-છોડો' ચળવળથી દેશની આઝાદીનો છેલ્લો તબકકો આરંભ્યો ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી મંત્રણાઓ કરી, કડવા ઘૂંટડા ગળી, ભારતનાં ભાગલાનો    છૂટકે સ્વીકાર કરી.  સત્ય, અહિંસાને સત્યાગ્રહનાં શસ્ત્રથી દેશને આઝાદ કર્યો સને ૧૯૪૮ જાન્યુઆરીમાં હિદુ-મુસ્લિમ એકતાને સહિષ્ણુતા માટે ઐતિહાસિક અનશન કર્યા.

૧૯૪૮માં જાન્યુઆરીએ તેમની હિંદુ-મુસ્લિમ પ્રત્યેનાં સમભાવ દૃષ્ટિકોણથી ઉશ્કેરાઈને કોઈકે તેમની ઉપર બોમ્બ ઝીંકયો પણ તેઓ બચી ગયા. પકડાયેલાં હુમલાખોરને તેમણે માફી બક્ષી પરંતુ ૩૦મી જાન્યુઆરીએ સાંજની પ્રાર્થનાસભામાં જતા એક હિદું મહાસભાવાદી નથુરામ ગોડસેની ગોળીએથી તેઓ વીંધાયા અને ૩૫ મિનિટ બાદ અવસાન પામ્યા. એક મહાજ્યોતિનો વિલય થયો એક જ્યોતિપુંજનો અસ્ત થયો.

તેમનાં વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે, 'આવતી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે આવો એક રુધિર અને હાડમાંસધારી ભવ્ય આત્મા કદીએ આ ભૂમિધરા પર ચાલ્યો હશે.?'

ડો. રાધાકૃષ્ણન લખે છે 'ગાંધીજીને એવી ભારે શ્રદ્ધા હતી કે , શાંતિ અને સ્વાતંત્ર્યનો યુગ અસંભવિત નથી, અને આપણે એને સિદ્ધ કરી શકીએ એમ છીએ. ઈશ્વરનું રાજ્ય હાથવેંતમાં છે.   જે માણસોને શ્રદ્ધા છે જેઓ સ્વાર્પણ ભાવનાથી પ્રેરાયેલા છે, જેમની માન્યતાઓ દૃઢ છે અને જેઓ સમજદારી પૂર્વક વર્તે છે. તેઓ જ ગાંધીજીનાં આદર્શનાં અનુયાયીઓ છે તેઓ જ જગતની આશાનાં પ્રતિક છે.'

ગાંધીજીનું માનવજાતને મોટામાં મોટું યોગદાન સાધન-શુદ્ધિનું છે. સમાજમાં, સંસારનાં વ્યવહારમાં, રાજકારણમાં કે જીવનનાં કોઈપણ ક્ષેત્રમાં રહેનાર માણસ જો એનાં દરેક કાર્યમાં સાધન શુદ્ધિનો આગ્રહ ન રાખે તો બધી પ્રવૃતિ વિફળ છે એવું ગાંધીજીએ માત્ર કહી જ ન બતાવ્યુ પરંતુ એને આચારમાં કંઈ રીતે ઉતારવું એનો સ્વપ્રયોગ દ્વારા જીવંત બોધપાઠ પણ આપ્યો.

માનવજાતની ભીતર સુધી પહોંચીને માનવનાં સુષુપ્ત આત્માને ઢંઢોળવાનું કાર્ય અનેક સંતોએ કર્યાનું તવારીખમાં જોવા મળે છે પરંતુ આ સદીમાં મહાત્મા ગાંધીએ જેટલી સહજ સફળતાથી એ કાર્ય કર્યુ છે તેટલું બીજા કોઈએ કર્યુ નથી કારણકે તેઓનાં જીવન અને કવનમાં તેમણે માનવજીવનનાં દરેક પાસાને, દરેક ક્ષેત્રને આવરી લીધા હતા.

વિશ્વ જ્યારે ગહન વેદનાની ક્ષણોમાં હતુ ત્યારે પરમાત્માએ મહામાનવ ગાંધીજીને ભારતનાં ખોળે મોકલ્યા હતા. આપણે ખુશનસીબ છીઅ ેકે આપણે આવા જ્યોર્તિમય મહામાનવને આપણી વચ્ચે સત્યની જેમ જોયા છે.

સંકલન

હિરલ મનિષભાઈ ભગત

-ડો.અર્જુનલાલ હિરાણી

પરફોમિંગ આર્ટસ એન્ડ જર્નાલીઝમ કોલેજ, રાજકોટ.

(4:19 pm IST)