Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ઇસરોની સિદ્ધિ : હવે સાતમી સપ્ટેમ્બર પર બધાની નજર

બરોબર ૧.૩૫ વાગે લેન્ડર વિક્રમ સફળરીતે અલગ : વિક્રમના અલગ થવામાટે જે સમય નક્કી કરાયો હતો તે સમય ઉપર જ વિક્રમ લેન્ડર અલગ થતાં ઉત્સુકતા વધી

બેંગ્લોર, તા. ૨ : ભારતીય અંતરિક્ષ સંસ્થા અને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે આજનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો. ચંદ્રયાન-૨ના મોડ્યુઅલથી લેન્ડર વિક્રમ સફળરીતે અલગ થઇ જતાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ઇસરોએ પણ ટ્વિટ કરીને આ સિદ્ધિ અંગે માહિતી આપી છે. ઇસરોના કહેવા મુજબ ભારતીય સમય મુજબ આજે લેન્ડર વિક્રમ દિવસમાં એક ૧.૩૫ વાગ્યાની આસપાસ સફળતાપૂર્વક ચંદ્રયાન-૨થી અલગ થઇ જતાં વધુ એક સિદ્ધિ મળી ગઈ છે. આની સાથે જ વિક્રમે હવે ચંદ્ર તરફ કુચ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેન્ડર વિક્રમના અલગ થવા માટે જે સમય નક્કી કર્યો હતો તે જ સમય પર આ અલગ થવાની ઘટના બની હતી. શનિવારના દિવસે ઇસરોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં સામેલ થયેલા એક અધિકારીએ કહ્યું હતું કે, લેન્ડર અને રોવરના અલગ થવાનો સમય સોમવારે બપોરે ૧.૩૦ વાગે રાખવામાં આવ્યો છે. આજે નિર્ધારિત સમય મુજબ ૧.૩૫ વાગે લેન્ડર વિક્રમથી અલગ થઇ જતાં મોટી સફળતા ઇસરોને હાથ લાગી હતી. હવે આગામી તબક્કો શરૂ થશે. ચંદ્રયાન-૨થી અલગ થવાની સાથે જ વિક્રમ લેન્ડર ચંદ્રની તરફ કૂચ કરી ગયું છે. વિક્રમ લેન્ડર હવે સાતમી સપ્ટેમ્બરના દિવસે દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યા બાદ પોતાની પ્રક્રિયા આગળ વધારશે.

ઇસરોની સાથે સાથે સમગ્ર દેશની નજર હવે સાતમી સપ્ટેમ્બર પર કેન્દ્રિત થઇ ગઇ છે. એ દિવસે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ત્યારબાદરોવર બહાર આવશે અને ચંદ્રની સપાટી ઉપર ૧૪ દિવસ સુધી રહીને ૫૦૦ મીટરનું અંતર કાપશે.

(7:15 pm IST)