Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

દેશમાં ટ્રાફિકના નવા નિયમોને રેડ સિંગ્નલ : વિવિધ રાજ્યમાં વિરોધ

નિયમોને હળવા કરવા માટેના વિવિધ રાજ્યોએ સંકેત આપ્યા : બંગાળ અને અન્ય કેટલાક રાજ્યોએ નવા નિયમો લાગૂ કરવાનો ઇન્કાર કર્યો દંડની રકમ વધારે પડતી મોટી હોવાથી સામાન્ય લોકો દ્વારા પણ વિરોધ થયો

નવી દિલ્હી,તા. ૨ : દેશભરમાં ટ્રાફિકના નવા નિયમોને રેડ સિંગલ મળી રહ્યા છે. દેશના જુદા જુદા રાજ્યમાં વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટ્રાફિકના કઠોર નિયમોને લઇને વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. જો કે, લોકોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઇને કઠોર નિયમોની સમીક્ષા કરવાના સંકેતો પણ મળી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, હાલમાં ગુજરાતમાં નવા નિયમથી દંડ લાગૂ કરાશે નહીં. નવા નિયમ હેઠળ દંડની રકમ ૩૦ ગણી વધારી દેવામાં આવી છે. તૃણમુલ કોંગ્રેસના શાસનવાળા બંગાળ અને કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોરદાર દેખાવો શરૂ થઇ ગયા છે. દંડની જંગી રકમને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોએ વાહન ચાલકોની મુશ્કેલી વધી જશે તેવી વાત કરીને નવા નિયમ લાગૂ કરવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી બાજુ રાજસ્થાને નવા નિયમ અમલી બનાવ્યા છે પરંતુ દંડની રકમ પર ફરી વિચારણા થઇ રહી છે.

મધ્યપ્રદેશના કાયદામંત્રી પીસી શર્માએ કહ્યું છે કે, હેલ્મેટ વગર ટુ વ્હીલર્સ ચલાવવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. દંડની રકમ પોષાય તે પ્રકારની રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પોલીસે નવા નિયમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લોકોને સમજાવવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આને લઇને હળવું વલણ અપનાવવામાં આળે તેવી શક્યતા છે. દેશના મોટા બાગના રાજ્યોમાં ટ્રાફિકના કઠોર નિયમો અમલી કરવામા આવ્યા બાદ લોકો નારાજ છે. તેમાં સુધારા કરવાની માંગ પણ ઉઠી રહી છે. સરકારને આમાં સુધારા કરવા પડે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. નવા નિયમ મુજબ હવે હેલ્મેટ નહી પહેરવા બદલ એક હજાર, સીટ બેલ્ટ નહી પહેરવા બદલ એક હજાર અને લાઇસન્સ વિના ડ્રાઇવીંગ કરવા બદલ પાંચ હજાર સુધીના આકરા દંડની જોગવાઇઓ લાગુ થઇ ગઇ છે. દારૂ પીને ગાડી ચલાવવા પર ૧૦ હજારનો દંડ થશે  અને વાહનનો વીમો ન હોવા પર ૨,૦૦૦ રૂપિયા પેનલ્ટી લાગશે. નવા નિયમો અને જોગવાઇઓની ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા પહેલા દિવસથી જ અમલવારી શરૂ કરી દીધી હતી.

        જો કે, આજે રવિવાર હોવાથી તંત્રની ઝુંબેશ થોડી હળવી રહી હતી પરંતુનવી જોગવાઇઓની અમલવારી કડકાઇથી શરૂ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. મોટર વ્હીકલ એક્ટ(એમેન્ડમેન્ટ)-૨૦૧૯ના નવા નિયમો અને જોગવાઇઓનો  પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં એકસાથે અમલ  શરૂ થઇ ગયા બાદ આજે નિયમો અમલી બન્યાના બીજા દિવસે લોકોમાં નારાજગી જોવા મળી હતી. મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટમાં નવા નિયમો અને જોગવાઇઓ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને દંડનીય જોગવાઇ વધુ પડતી અને એકદમ આકરી હોઇ વાહનચાલકોમાં પહેલા જ દિવસથી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.  બીજીબાજુ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા નવા નિયમો અને જોગવાઇ મુજબ, દંડનીય વસૂલાત સહિતની અમલવારી શરૂ કરી દીધી  છે.

(7:23 pm IST)