Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કોરોનાકાળમાં ૧૬૦૦૦ કરોડના વિકાસકાર્યો

રાજકોટથી રાજ્યકક્ષાના 'સેવા સેતુ' કાર્યક્રમનો પ્રારંભ : ગંગાસ્વરૂપ પુનઃ વિવાહ (૫૦ હજાર સહાય) બાળ સખા યોજના (દર મહિને ૨ હજાર)ની જાહેરાત : મુખ્યમંત્રીએ સેવા સેતુ કાર્યક્રમમાં કરી જાહેરાત : સરકાર સતત દોડતી રહી છે : નરેન્દ્રભાઇએ જે પથદર્શન કરાવ્યું તેના પગલે સરકાર ચાલી રહી છેઃ ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે : ACBને મજબૂત કર્યુ : ૮૦૦ રેડ પાડી છે : મંચ ઉપર ૩૪ લાભાર્થીઓને ચેક - કીટ સહિતની સહાયનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ : કોંગ્રેસના લોકો કાન ખોલીને સાંભળી લે સેવા એ જ મારો મંત્ર છે : સત્તા માટે નહી સેવા કરનારી સરકાર... : રાજ્યકક્ષાનો સેવા સેતુ સફળ : કુલ ૨૫૦થી વધુ અરજદારોને ફોર્મ ભરાવી નિર્ણય : આધાર કાર્ડ અંગે કોર્પોરેશનના કાઉન્ટર ઉપર લાંબી લાઇનો જોવા મળી... : મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલનો શુભારંભ : સેવા સેતુના વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડના સાધન સહાયનું વિતરણ

સેવા સેતુનો ભવ્ય પ્રારંભઃ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે રાજયકક્ષાના સેવાસેતુ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો. તસ્વીરમાં દિપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરતા શ્રી વિજયભાઇ બાજુમાં મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, મેયર શ્રી પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ નજરે પડે છે, ઇન્સેટ તસ્વીરમાં કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાય છે, ઉપરની બીજી તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, મંત્રીશ્રી ઇશ્વરભાઇનું સ્વાગત કરતા મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરા, ઉપસ્થિત રાજુભાઇ ધ્રુવ, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, નીતિનભાઇ ભારદ્વાજ, ઉદય કાનગડ જણાય છે, વચ્ચેની તસ્વીરમાં રીમોટ દબાવી બાળસખા-ગંગાસ્વરૂપ પૂનઃ વિવાહ યોજનાનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી, નીચેની તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન, તથા લાભાર્થીઓને કીટનું વિતરણ કરતા મુખ્યમંત્રી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજયવ્યાપી 'સેવા સેતુ કાર્યક્રમ'ની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રીશ્રીએ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કૃતજ્ઞ ભાવે જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે, જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજય સરકારે ૧૬,૦૦૦ કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ ઉમેર્યું હતું.

રાજયની પાંચ વર્ષની પ્રગતિનું આલેખન કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કતૃત્વના પદચિન્હો પર રાજય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે, અને નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું.

ભ્રષ્ટાચારને દૂર કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજયને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર અગ્રેસર બનાવવા માટે રાજયના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

રાજયના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજયની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું.

રાજયના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી.

વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આભાર વ્યકત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત 'એક વાલી યોજના' તથા 'ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના', 'રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ૩ અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં  માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજય સરકારે અમલી બનાવેલી 'મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના'ની ટૂંકી વિગતો આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.

૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજયભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને  રાજય સરકારની સંવેદના, સાંસ્કૃતિક મૂલ્ય અને સ્વર્ણિમ ભવિષ્યની પ્રતીતિ થઈ છે. કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અને કોરોના અસરગ્રસ્તો પ્રત્યે તેમણે દાખવેલી સંવેદના રાજયના વિકાસમાં આમૂલ પરિવર્તન આણનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના', 'એક વાલી યોજના' અને 'ગંગાસ્વરૂપ મહિલા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના'ની વિગતો રજૂ કરતી ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી સહિતના આમંત્રીતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટને પ્રદાન કરેલા વિકાસલક્ષી પ્રકલ્પો બદલ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

કોંગ્રેસને ટોણો

મુખ્યમંત્રીએ વિપક્ષ કોંગ્રેસને ટોણો મારતા જણાવેલ કે, સત્તા માટે નહીં સેવા માટે કામ કરતી આ સરકાર છે.

આ કાર્યક્રમમાં મેયર ડોકટર પ્રદીપ ડવ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મુખ્ય  સચિવશ્રી અનિલ મુકીમ,  અગ્રસચિવશ્રી કે. કૈલાશનાથન, સચિવશ્રી સુનયના તોમર અને શ્રી કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી,  મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. કે. પટેલ, અધિક કલેકટરશ્રી એન.આર. ધાધલ, અને શ્રી એન. એફ. ચૌધરી,  પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, શ્રી સિદ્ઘાર્થ ગઢવી અને શ્રી વીરેન્દ્ર દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલ ગોસ્વામી, અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શ્રી કમલેશ મિરાણી અને શ્રી નીતિન ભારદ્વાજ, સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુમાં મંચ ઉપર ઉપસ્થિત મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો

રાજકોટ : રાજકોટમાં યોજાયેલ રાજ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત સામાજીક કલ્યાણ મંત્રી ઇશ્વરભાઇ પરમાર, મેયર પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મુખ્યસચિવ અનિલ મુકીમ, પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી કૈલાસનાથન, એડી. ચીફ સેક્રેટરી સુનયના તોમર, સચિવ કે.કે.નિરાલા, કલેકટર અરૂણ મહેશબાબુ, મ્યુ. કમિશનર શ્રી અમીત અરોરા, ડીડીઓ દેવ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

વિજયભાઇનો ટોણો અને ટકોર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જાડી ચામડીવાળી સરકાર નથી... કોંગ્રેસ સાંભળી લે અને જે વાયદા કર્યા છે, તે ભાજપ સરકારે પૂરા કર્યા છે... અમારી સરકાર આખા પાનાની જાહેરાત કામ પહેલા છપાવતી નથી : રેતી - ખનીજ અંગે ઇ-ટેન્ડરીંગ કર્યું : બીનખેતીનો ભ્રષ્ટાચાર સાફ કર્યો : એસીબીને મજબૂત કરીઃ ૮૦૦થી વધુ રેડ પાડી છે

રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

સવારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત

 ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણ

 માનસિક ક્ષતિગ્રસ્ત ગૃહનું ભૂમિપૂજન

 ડી.એચ. કોલેજમાં સેવા સેતુ કાર્યક્રમ

 બાળકો સાથે ભોજન

 પુજીત રૂપાણી ટ્રસ્ટનો કાર્યક્રમ

 કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

 સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન

(3:04 pm IST)