Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

‘સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે રાજ્‍ય સરકારના પાંચ વર્ષ સંવેદનશીલતાના

વ્‍યથાને વ્‍યવસ્‍થાઓમાં ફેરવી જનહિતકારી લાભો પૂરા પાડવા મુખ્‍યમંત્રી સંકલ્‍પબધ્‍ધ : કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને પ્રતિમાસ રૂા. ૪ હજાર અને માતા-પિતામાંથી કોઇ એકનું છત્ર ગુમાવનાર બાળકોને મહિને રૂા. ૨ હજારની આર્થિક સહાય : જન-જનની વેદનાને સ્‍વ-વેદના સમજીને સંવેદના દાખવતી રાજ્‍ય સરકાર

ગાંધીનગર તા. ૨ : બંધારણના ઘડવૈયાઓએ જયારે કલ્‍યાણ રાજયની સ્‍થાપનાની પરિકલ્‍પના કરવામાં આવી છે. આ કલ્‍યાણ' શબ્‍દમાં સાર્વત્રિક કલ્‍યાણનો હેતુ રહેલો છે. કોઈ પણ સમાજ-રાષ્ટ્રના સમગ્રતયા વિકાસ ત્‍યારે જ શક્‍ય છે, જયારે પ્રશાસન નિર્ણાયક, પારદર્શક અને પ્રગતીશીલ હોવાની સાથે સંવેદનશીલ પણ હોય. આ ચાર સ્‍તંભ થકી જ શ્નસર્વ જન હિતાય, સર્વ જન સુખાયઙ્ખના મંત્રને સાર્થક કરી શકાય છે.

ખરા અર્થમાં જોઈએ, તો સમાજના દરેક વર્ગ, દરેક તબક્કા, જન-જન, અબોલ પશુ-પંખી સહિત પ્રત્‍યેક જીવ માટે સંવેદનશીલ નિર્ણયો લેવા, આ પ્રત્‍યેક વર્ગ સાથે જમીની રીતે જોડાઈને, તેમની દરેક મુશ્‍કેલી જાણવી-સમજવી એ માત્ર પ્રશાસકનું નહીં, પણ પરિવારના મોભી સમાન જવાબદારી ગણાય. અને છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના મોભી તરીકેની આ જવાબદારી લોકલાડીલા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સુપેરે નિભાવી છે. તેમના નક્કર, પારદર્શક, પ્રગતિશીલ અને સંવેદનશીલ નિર્ણયો થકી જ ગુજરાત આજે વિકાસની કેડી પર હરણફાળ ભરી રહ્યું છે અને વિશ્વના નકશા પર અંકિત થઈ ચૂક્‍યું છે.

દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજયના તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિકાસપથની કેડી કંડારી હતી, તેને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલના મજબૂત નેતૃત્‍વએ વિકાસનો રાજમાર્ગ બનાવ્‍યો છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વ હેઠળની ગુજરાત સરકારે રાજયના વિકાસ અને જનહિત માટે પ્રશાસકીય વ્‍યવસ્‍થાને અને સમગ્ર તંત્રને રાજકીય ઇચ્‍છાશક્‍તિથી જનહિતનાં કાર્યો માટે પ્રેરિત કરવા સંવેદનશીલતા, પ્રગતિશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મૂલ્‍યો આધારિત ચાર સ્‍તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા વધુ સુદૃઢ બનાવી છે.

સબ સમાજ કો લિએ સાથ મેં, આગે હૈ બઢતે જાના'ના મંત્ર સાથે ચાલી રહેલી આ વિકાસયાત્રા અંતર્ગત સમાજના વિવિધ તબક્કા વિશે જો વાત કરીએ તો... મુખ્‍યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં કોરોનાથી માતા-પિતા ગુમાવવાના કારણે નિરાધાર બનેલાં બાળકોને રાજય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.૪ હજારની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સિવાય, જે બાળકોએ માતા-પિતા બેમાંથી કોઈ એકની છત્રછાંયા ગુમાવી છે, તેવાં બાળકોને પ્રતિમાસ રૂ. ૨ હજારની સહાય ડીબીટી મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જયારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓને કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.

એટલું જ નહીં, અભ્‍યાસ ચાલુ રાખનારાં ૨૧ વર્ષ સુધીની ઉંમરનાં બાળકોનો આફટર કેર યોજનામાં સમાવેશ કરી, પ્રતિ માસ રૂ.૬ હજારની સહાય આપવાની સાથોસાથ ૧૪ વર્ષથી ઉપરની ઉંમરનાં બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરની ઉંમરનાં બાળકોને સ્‍કિલ ડેવલપમેન્‍ટની તાલીમ પણ આ યોજના અંતર્ગત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે રાજયમાં અભ્‍યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્‍યાસની લોન માટે કોઈ પણ જાતની આવકમર્યાદા ધ્‍યાનમાં લીધા સિવાય અગ્રતા આપવાનો સંવેદનશીલ નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્‍યો છે.

વિધવા બહેનોને ગંગાસ્‍વરૂપા'એવું સન્‍માનજનક નામ આપી, તેમનો પુત્ર સગીર વયનો થયા પછી સહાય બંધ કરવાની શરત દૂર કરવાનો સંવેદનશીલ નિર્ણય. શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના, આંગણવાડી કાર્યકરોનો પગાર વધારો અને નર્સિંગ કર્મચારીઓને એલાઉન્‍સ ચૂકવવાનો મહત્ત્વનો નિર્ણય, રાજયના ગરીબ પરિવારોને લગ્નના સુખદ પ્રસંગમાં જાન લઈ જવા માટે રાહત દરે એસટીની સુવિધા આપવા સહિતના સંવેદનશીલ નિર્ણય લેવાયા છે.

સર્વ જન હિતાય, સર્વ જન સુખાય' એવા નિર્ધાર સાથે જન' શબ્‍દમાં માત્ર નાગરિકો જ નહીં, પરંતુ પશુ-પંખીઓને પણ સમાવિષ્ટ કરી, તેમનાં માટે પણ એટલી જ સંવેદના સાથે પ્રારંભ થયો છે કરૂણા અભિયાનનો. જનહિતલક્ષી અનેક યોજનાઓના નક્કર અમલીકરણની સાથે ૩૭ જેટલી કરુણા એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી અબોલ પશુ-પક્ષીઓની દરકાર લેવાનું સંવેદનશીલ પગલું પણ રાજય સરકાર દ્વારા લેવામાં આવ્‍યું છે. પરિણામે, અગાઉ ઉત્તરાયણના તહેવારોમાં જયાં આશરે ૨૫ હજાર જેટલાં પક્ષીઓ જીવ ગુમાવતાં હતાં, ત્‍યાં આ આંકડો ઘટાડીને પંદરસો સુધી લાવી શકાયો છે. જયારે કરૂણા એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમ થકી અત્‍યાર સુધીમાં કુલ ૩૮,૭૦૦ જેટલાં પક્ષીઓના જીવ બચાવી શકાયા છે.

આવી જ રીતે, અબોલ પશુઓ માટે શરૂ કરવામાં આવેલાં ૧૯૬૨ ટોલ ફ્રી નંબર અને ૪૩૦થી વધુ ફરતાં પશુ દવાખાનાઓ રાજયના પશુપાલકો માટે બન્‍યા આશીર્વાદરૂપ બન્‍યાં છે. આ પ્રકારે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાના માધ્‍યમથી ૧૨.૭૦ લાખ પશુઓને ઘરઆંગણે નિઃશુલ્‍ક સારવાર અને રસીકરણની સુવિધા ઉપલબ્‍ધ કરી શકાઈ છે. આ સિવાય, ૧૮ જેટલાં પશુરોગ અન્‍વેષણ એકમો દ્વારા રોગ સંશોધન, સરવે અને નિદાનની અસરકારક કામગીરી પણ કરવામાં આવી છે.

ખેડૂતોની આવક બમણી કરવા સાત પગલાં ખેડૂત કલ્‍યાણનાં' યોજના હેઠળ ભૂગર્ભ પાણીની ટાંકી માટે, પ્રાકૃતિક ખેતી માટે, કૃષિ કિટ માટે, છાંયડો યોજના, મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના, સ્‍માર્ટ હેન્‍ડસ ટૂલ્‍સ કિટ તેમજ ગૂડઝ કેરેજ વાહન માટે સહાય આપવામાં આવે છે.

એક સમય હતો, જયારે રાજયમાં દુષ્‍કાળના વર્ષમાં પોતાની વાંઢ સાથે પશુપાલકોની હિજરત એ સામાન્‍ય બાબત હતી. પરંતુ, આજે નક્કર જળ વ્‍યવસ્‍થાપન થકી દુષ્‍કાળ એ ભૂતકાળ બન્‍યો છે. આમ છતાં, ૨૦૧૮ના નબળા વર્ષમાં રાજય સરકારે સંવેદનશીલ નિર્ણયો લઈને રાજયની ગૌશાળાઓ અને પાંજરાપોળોનાં અબોલ પશુઓ માટે વિક્રમજનક ૧૫ કરોડ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેના કારણે પશુઓ કે માનવોએ હિજરત કરવી પડી નથી.

રાજય સરકાર દ્વારા રાજયના ૨૧૯ જેટલાં પાંજરાપોળ અને ૧૪૧૮ જેટલી ગૌશાળાને કુલ રૂ.૨૪૬.૭૨ કરોડની સહાય કરવામાં આવી છે. જયારે દુષ્‍કાળગ્રસ્‍ત વિસ્‍તારનાં છ લાખ પશુઓ માટે રૂ. ૧૮૫.૪૦ કરોડની સહાય પણ ચૂકવવામાં આવી છે. લોકડાઉનના સમયગાળામાં પણ પાંજરાપોળો અને ગૌશાળાઓ પ્રત્‍યે ઉદાર ધોરણો રાખીને ઘાસ વિતરણ અને પશુસહાય આપવામાં આવી છે.

રાજયની જનતા માટે પ્રજાલક્ષી નિર્ણયોની સાથે પ્રત્‍યેક નાગરિક-પ્રત્‍યેક જન સાથે સીધો સંવાદ સાધીને તેમની મુશ્‍કેલીઓ-પરિસ્‍થિતિઓ જાણવા અને સમજવા માટેનો કાર્યક્રમ એટલે મોકળા મને'. જયાં મુખ્‍યમંત્રીશ્રી ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા લોકો, શિક્ષકો, દિવ્‍યાંગો, માછીમારો, વિચરતી જાતિના પ્રતિનિધિઓ, અગરિયાઓ અને અને પાંજરાપોળ-ગૌશાળાના માલિકો, સમાજના વંચિત અને છેવાડાના સમુદાયો સાથે ખુલ્લા મને સંવાદ કરીને તેમની મુશ્‍કેલીઓ, જરૂરિયાતો વિશે જાણે છે અને તેના આધારે જ રાજય સરકારની કેટલીક નીતિઓમાં હકારાત્‍મક બદલાવ પણ લાવવામાં આવ્‍યો છે. આ પ્રકારે સમાજના છેવાડાના લોકોના પ્રશ્નો જાણીને અનેક નવતર પગલાં લેવાયાં છે. અત્‍યાર સુધીમાં આ કાર્યક્રમનાં કુલ ૧૦ સંસ્‍કરણો સંપન્ન થઈ ચૂક્‍યાં છે.

આજે જયારે રાજયના સંવેદનશીલ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્‍વવાળી આ સંવેદનશીલ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્‍યારે આ અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના' એ થીમ હેઠળ જનકલ્‍યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજયમાં યોજાઇ રહ્યા છે.

સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્‍યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકાર દ્વારા આ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. આ જ કડીના ભાગરૂપે એટલે કે આજે તા. ૨જી ઓગસ્‍ટના રોજ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્‍મદિવસે રાજયકક્ષાના સંવેદના દિવસ' અંતર્ગત રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાશે.

જે અંતર્ગત રાજકોટ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સામાજિક ન્‍યાય- અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્‍થિતિ રહેતા વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્‍તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજયના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

રાજયભરમાં સંવેદના દિવસ અન્‍વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્‍ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્‍યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય અપાશે.

કોરોનાકાળમાં માતા-પિતાની છાંયા ગુમાવનારાં બાળકો માટે સમાજ કલ્‍યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્‍સિયલ ગ્રુપના સંયુક્‍ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. પાલક માતા-પિતા, દિવ્‍યાંગ, વિધવા અને વૃધ્‍ધો માટે રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહીં, પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્‍યમંત્રી તેમનો ૬૫મો જન્‍મદિવસ વિવિધ સેવા કાર્યો યોજીને ઉજવશે. જે અંતર્ગત સવારે વૃક્ષારોપણ કરી, વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત કરશે. ત્‍યારબાદ રાજકોટની ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ખાતે યોજાનાર રાજયકક્ષાના સંવેદના દિવસ કાર્યક્રમમાં સહભાગી થશે અને કાર્યક્રમ બાદ મુખ્‍યમંત્રીશ્રી પાલક માતા- પિતા અને બાળકો સાથે ભોજન કરશે.

બપોરે મુખ્‍યમંત્રી પૂજીત રૂપાણી ટ્રસ્‍ટની મુલાકાત લઈને દિવ્‍યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરશે અને ત્‍યાર પછી રાજકોટ પોલીસ દ્વારા આયોજીત કાર્યક્રમ તેમજ સ્‍વામિનારાયણ મંદિર આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે પ્રમુખસ્‍વામી મંદિર, રાજકોટ ખાતે કીટ વિતરણ કાર્યક્રમમાં પણ સહભાગી થશે.

(11:23 am IST)