Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં

મેન્સ બાદ વુમન્સ ટીમે પણ કમાલ બતાવી ઓસ્ટ્રેલીયાને ૧-૦થી પછાડયું : લીગ મેચમાં ત્રણ મેચો ગુમાવ્યા બાદ ખેલાડીઓનું જોરદાર કમબેકઃ હવે બુધવારે આર્જેન્ટીના સામે મુકાબલો

 નવી દિલ્હીઃ  ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે કવોલિફાઈંગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧-૦ થી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ હવે પોતાના ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર છે.

ભારત તરફથી પ્રથમ ગોલ ગુરજીત કૌરે કર્યો હતો. ગુરજૂતનો ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ હતો અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ આ વખતે ઓલિમ્પિકમાં પ્રથમ વખત પેનલ્ટી કોર્નરમાં ગોલ ખાયો છે. ગુરજીતે પેનલ્ટી કોર્નર પર શાનદાર ડ્રેગ ફ્લિક મારતા ભારતને ૧-૦ની લીડ અપાવી હતી.  આજે સવારે રમાયેલી પ્રથમ કવોર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટીનાએ જર્મનીને ૩-૦થી માત આપીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. સેમીફાઈનલ ૪ ઓગસ્ટ એટલે બુધવારે રમાશે.

ઉલ્લેખનિય છે કે, ભારતીય હોકી ટીમે પૂલ સ્ટેજની શરૂઆતમાં ત્રણ મેચો ગુમાવી દીધી હતી. તે પછી આર્યલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હરાવીને રાની રામપાલની આ ટીમે શાનદાર વાપસી કરી હતી અને અંતિમ-આઠમાં જગ્યા બનાવી હતી. તે પછી આજે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને માત આપીને સેમિફાઈનલમાં જગ્યા બનાવવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે.

(4:12 pm IST)