Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પીએમ મોદી બાદ અમિતભાઇ શાહે કર્યા યોગીના વખાણ : યુપીના અત્યાર સુધીના સૌથી સફળ મુખ્ય મંત્રી ગણાવ્યા

ભાજપે યુપીમાં કાયદાનુ શાસન સ્થાપિક કર્યુ: વિપક્ષે ફરી 2022માં કારમી હાર માટે તૈયારી કરી લેવી જોઈએ.

નવી દિલ્હી : યુપીના લખનૌમાં સ્થપાનારી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના શિલાન્યાસના કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે યુપીના સીએમ યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા.તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, ચાર વર્ષના યોગી આદિત્યનાથના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનુ શાસન પુન:સ્થાપિત થયું છે. પ્રદેશને વિકાસના રસ્તા પર લાવવાનુ કામ યોગી સરકારે કર્યુ છે. યોગીજીના નેતૃત્વમાં રાજ્ય વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યુ છે અને તેઓ યુપીના અત્યાર સુધીના સૌથી સફળ મુખ્ય મંત્રી છે.

તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, યુપીમાં જેવી ચૂંટણીઓ આવે છે કે, વિપક્ષી નેતાઓ ઘરની બહાર નીકળે છે. નિવેદનબાજી કરે છે. આ નેતાઓ કોરોના દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ નથી કરતા અને ખેડૂતોને પણ કામ નથી લાગતા પણ ચૂંટણી આવતા જ નિવેદનબાજી શરૂ કરી દે છે. ભાજપે યુપીમાં કાયદાનુ શાસન સ્થાપિક કર્યુ છે. વિપક્ષે ફરી 2022માં કારમી હાર માટે તૈયારી કરી લેવી જોઈએ.

અમિતભાઈ  શાહે કહ્યુ હતુ કે, મને યાદ છે કે, અહીંયા મહિલાઓ અસુરક્ષિત હતી. ધોળે દિવસે ગોળીઓ ચાલતી હતી અને માફિયાઓનુ રાજ હતુ. ચાર વર્ષ પછી હું ગર્વથી કહીં શકું છે કે યુપીમાં ઘણી પ્રગતિ થઈ છે. 44 સરકારી યોજનાઓનો યુપી સરકારે સફળતાપૂર્વક અમલ કર્યો છે. અહીંયા માફિયારાજ અને જાતિવાદ ખતમ થઈ રહ્યો છે. સરકારી યોજનાઓનો લાભ ગરીબ અને નબળા લોકોને મળી રહ્યો છે. યોગી આદિત્યનાથે યુપીની તસવીર બદલી નાંખવાનુ કામ કર્યુ છે.

 

(12:00 am IST)