Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

હવે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અદાણી ગ્રુપની એન્ટ્રી : નવી પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સની રચના

નવી પેટ કંપની રિફાઇનરી, પેટ્રોકેમિકલ સંકુલ અને હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપશે

નવી દિલ્હી : દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપે  એક નવી પેટાકંપનીની સ્થાપના કરી છે, જે રિફાઇનરી, પેટ્રોકેમિકલ સંકુલ અને હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપશે.

 અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝે  સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું હતું કે, તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે, જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ, સ્પેશિયાલિટી કેમિકલ યુનિટ્સ, હાઈડ્રોજન અને સંબંધિત કેમિકલ પ્લાન્ટ્સ અને આ પ્રકારના અન્ય એકમોની સ્થાપનાનું કામ સંભાળશે.

અમદાવાદનું અદાણી ગ્રુપ દેશમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું સૌથી મોટું બિઝનેસ સંગઠન છે અને તેમાં અનેક ક્ષેત્રોમાં તેમની કંપનીઓ કાર્યરત છે. તેમાં લગભગ છ લિસ્ટેડ એકમો છે. તાજેતરમાં અદાણી ગ્રુપે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જવાબદારી સંભાળી હતી.

 

તાજેતરમાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. જૂથે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે, તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપીત શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. આમાંથી 50.5 ટકા ભાગીદારીનો હિસ્સો જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીના 23.5 ટકા લઘુમતી ભાગીદારીનો હિસ્સો અલ્પાંશ ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.

(12:00 am IST)