Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

પાકના આર્મી ચીફ કમર જાવેદ બાજવા LOCની મુલાકાતે પહોંચ્યા

પાકના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કાશ્મીરના રાગનો જાપ પણ કર્યો હતો : બાજવાએ મુલાકાત લઇ સંરક્ષણ સજ્જતાની સમીક્ષા કરી હતી

ઇસ્લામાબાદ, તા.૨ : લદ્દાખમાં ચીન સાથેના તનાવ વચ્ચે પાકિસ્તાન એલઓસી પર પણ તેની નકારાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. દરમિયાન શનિવારે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી અને સંરક્ષણ સજ્જતાની સમીક્ષા કરી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર જનરલ બાજવાની મુલાકાત પૂર્વનિર્ધારિત નહોતી. આ સમય દરમિયાન બાજવાએ કાશ્મીરના રાગનો જાપ પણ કર્યો હતો. પાકિસ્તાનના ડીજી આઈએસપીઆર અનુસાર, બાજવાએ એલઓસીને અડીને આવેલા ખુરાઇથા સેક્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈન્યની સંરક્ષણ સજ્જતા વિશે પૂછપરછ કરી હતી.

            ઈદ ઉલ અઝહા નિમિત્તે સૈનિકોને સંબોધન કરતાં તેમણે કાશ્મીરીઓ સાથે એકતાની ઘોષણા કરી હતી. આ સમય દરમિયાન તેમણે ભારત પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન માટે આ મુશ્કેલ સમય છે કારણ કે, દેશને બાહ્ય અને આંતરિક રીતે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. બાહ્ય શક્તિઓ દેશને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સેનાએ બેવડા પડકારોનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે આપણે જે પણ પડકારનો સામનો કરીએ છીએ, આપણે મોટાભાગનાને પાર કરી શકીએ છીએ. ભારત પર આડકતરી રીતે પ્રહાર કરતા બાજવાએ કહ્યું કે આ ક્ષેત્ર અસ્થિર થઈ રહ્યો છે. બડાઈ મારતા બાજવાએ કહ્યું કે અમે આપણા દુશ્મનો સાથે વ્યવહાર કરવા માટે તૈયાર છે. બાજવાના એલઓસી પ્રવાસ પર, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ તોડતા ભારતીય પ્રદેશ પર ફાયરિંગ કર્યું હતું.

(10:20 pm IST)