Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ફલોરીડાના ૧૭ વર્ષના સગીર વયના કિશોરે દુનિયાના સરેરાશ ૧૩૦ સેલીબ્રિટીના ટવીટર એકાઉન્ટ હેક કરતા ખળભળાટ

બીટકોલઇન આપવાની આડમાં કર્યુ કૃત્ય : આરોપી ગ્રેહામ કલાર્કની ધરપકડ

ફ્લોરિડા: ટ્વિટર હેકિંગના મામલે ફ્લોરિડાના 17 વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે. દુનિયાભરના 130 સેલિબ્રિટી એકાઉન્ટ હેક કરીને બિટકોઈન્સ કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાતા કિશોર પર અલગ અલગ 30 ગુના દાખલ કરાયા છે. તે સિવાયના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

દુનિયાભરના 130 સેલિબ્રિટીના ટ્વિટર એકાઉન્ટ હેક કરીને હેકર્સે સેલિબ્રિટીના એકાઉન્ટમાંથી એકના ડબલ બિટકોઈન્સ આપવાનું કૌભાંડ આચર્યું હતું. જે તે સેલિબ્રિટીના એકાઉન્ટમાંથી તેમના યુઝર્સને નિશાન બનાવીને ટ્વિટ કરાઈ હતી કે જે યુઝર્સ ટ્વીટ કરાયેલી લિંકમાં એક હજાર ડોલરના બિટકોઈન્સ આપશે તેને બે હજાર ડોલરના બિટકોઈન્સનું વળતર અપાશે.

હેકિંગ પછી ખળભળાટ મચી ગયો હતો. ઈલોન મસ્કથી લઈને બરાક ઓબામા, જો બિડેન, બિલ ગેટ્સ અને ખુદ ટ્વીટરના સીઈઓ જેકનું એકાઉન્ટ પણ હેકર્સે હેક કરી નાખ્યું હતું. એની તપાસ શરૂ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસ અને અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ત્રણ હેકર્સ સુધી પહોંચવામાં સફળ રહી હતી. બ્રિટનનો 19 વર્ષનો યુવાન મેસન શેફર્ડ, 22 વર્ષીય નિમા ફાઝલી અને હેકિંગના માસ્ટર માઈન્ડ 17 વર્ષના ગ્રેહામ ક્લાર્કની ધરપકડ થઈ હતી.

ગ્રેહામ ક્લાર્ક હેકિંગનો માસ્ટર માઈન્ડ હતો. મેસન અને ફાઝલીએ તેની મદદ કરી હતી. ગ્રેહામે હેકિંગથી એક લાખ ડોલરનું કૌભાંડ આચર્યું હોવાની શક્યતા છે. એટલું નહીં, તેની સંડોવણી અન્ય હેકિંગમાં પણ હોય તેવી પૂરી શક્યતા છે. અહેવાલોમાં દાવો થયો હતો કે એપ્રિલ માસમાં સિક્રેટ સર્વિસે કિશોર પાસેથી 7 લાખ ડોલરના બિટકોઈન્સ સીઝ કર્યા હતા.

માસ્ટર માઈન્ડ ગ્રેહામ ક્લાર્ક પર અલગ અલગ 30 ગુના દાખલ કરાયા છે. ત્રણેય આરોપીઓ ઉપર આરોપ છે કે તેમણે હેકિંગ કરીને યુઝર્સના ડેટા ચોરીને તેને ડાર્ક વેબમાં વેંચવા પણ મૂક્યા હતા. ટ્વીટરના કહેવા પ્રમાણે 130 એકાઉન્ટમાંથી 45માંથી ટ્વીટ કરાઈ હતી. 36 એકાઉન્ટ્સના મેસેજનો એક્સેસ મેળવ્યો હતો. સાત એકાઉન્ટનો તમામ ડેટા ડાઉનલોડ કર્યો હતો.

(12:15 pm IST)