Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન તૂટી પડતાં 18 મજૂર દબાયા: 10 મોત

શિપબિલ્ડીંગ માટે સાધનો લઇ જતી વખતે કેર્ન ધડાકા સાથે તૂટી પડી

વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં અચાનક એક ક્રેન તૂટી પડતાં 10 લોકોનાં મોત થઇ ગયા. જ્યારે અન્ય એકને ઇજા થઇ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ડીસીપી સુરેશ બાબુએ ઘટનાની પુષ્ટિ કરી છે. જ્યારે રિપોર્ટ્સ મુજબ ઘટના સમયે ક્રેન પાસે આશરે 20 મજૂર કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્રેનમાં કડાકો થયો અને તે તૂટી પડ્યું હતું. જેની નીચે મજૂરો દબાયા હતા. કેટલાક મજૂરો સુરક્ષિત ભાગવામાં સફળ થયા હતા.

આંધ્રના પ્રવાસન મંત્રી મુથાશેઠ્ઠી શ્રીનિવાસ રાવ ઘટનાની માહિતી મેળવી અધિકારીઓને ઉપયોગી પગલાં લેવાની સુચના આપી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટના સમયે ક્રેનથી લોડિંગની ટ્રાયલ થઇ રહી હતી. કામદારો શિપબિલ્ડિંગ માટેનાં સાધનો લઇ જતા ક્રેનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે ક્રેન જોરદાર અવાજ સાથે તૂટી પડ્યું . તેમાં ઘાયલ મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ક્રેન નીચે દબાયેલા અન્ય મજૂરોને કાટમાળમાંથી કાઢવાનું કામ પણ જારી છે.

પોલીસના જણાવ્યા મુજબ ત્રણ મજૂરોના શબ કાટમાળ નીચેથી કાઢી લેવાયા, જ્યારે બાકીના ક્રેનની નીચે દબાઇ ગયાનું મનાય છે. બચાવ કામગીરી ચાલી રહી છે. વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર આર કે મીણા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ આદરી હતી.

(6:53 pm IST)