Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હાથના મોજા પહેરવા કરતાં નિયમિત રીતે હાથ ધોવા એ જ કોરોનાને રોકવાનો ઉપાય

કોરોનાથી બચવા હાથ મોજા પહેરનારા સાવધાન

શિકાગો,તા.૧: ઘણા લોકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્કની સાથે હાથમોજાં પહેરવાનું પણ નથી ભૂલતા. ગમે ત્યાં અડકવાથી વાયરસના સંપર્કમાં ના આવી જવાય તે વાતને ધ્યાનમાં રાખીને સેફ્ટી માટે માસ્ક પહેરવાનું ચલણ વધી રહ્યું છે. જોકે, ડોકટર્સે તેના પર મોટી ચેતવણી આપી છે. યુનિ. ઓફ શિકાગોના ઈન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. એલિસન બારલેટનું કહેવું છે કે માસ્ક કોરોનાથી દેખીતી રીતે કોઈ રક્ષણ નથી આપતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એકસપર્ટ્સનું પણ કહેવું છે કે હાથમોજાં પહેરવાના બદલે નિયમિત રીતે હાથ ધોવા જ કોરોનાને દૂર રાખવાનો સૌથી કારગત ઉપાય છે. જો કોઈ સપાટી પર કોરોના વાયરસની હાજરી હોય અને હાથમોજાં પહેરીને તેને અડકવામાં આવે તો વાયરસ તેના પર ચોટી જાય છે, અને તે તેના પર ટકી શકે છે.

ડોકટર બારલેટનું માનીએ તો, હાથમોજાં પહેરવાથી કોરોનાનો ચેપ નહીં લાગે તેવી ખોટી સુરક્ષાની લાગણી જન્મે છે. કારણકે, તેનાથી તમારી સ્કીન કોઈ સરફેસ પર સીધી ટચ નથી થતી. પરંતુ કોઈ ઈન્ફેકટેડ સરફેસને ટચ કર્યા બાદ જો તમે તમારા ચહેરા કે માસ્કને સ્પર્શો તો ઈન્ફેકશન સીધું તમારા સુધી પહોંચી જવાની શકયતા રહે છે. હાથમોજાં પર લાગેલા વાયરસ તમે જો ચહેરા, આંખ કે માસ્કને અડકો તો ત્યાં સુધી પહોંચી શકે છે.

આ સિવાય હાથમોજાંને જયારે કાઢવામાં આવે ત્યારે પણ એક મોજું કાઢ્યા બાદ બીજો હાથ ફ્રી થઈ જાય છે, અને તે ગ્લવ્સને ટચ થાય છે. જેનાથી તેના પર લાગેલા વાયરસ ખૂલ્લા હાથ પર લાગવાના પૂરા ચાન્સ છે. ગ્લવ્સ ખરેખર તો કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ માટે જ જરુરી છે. કારણકે તેઓ એક ચોક્કસ પ્રોસિજર હેઠળ તેનો ઉપયોગ કરે છે, એક દર્દીને તપાસી બીજા ગ્લવ્સ પહેરી લે છે, અને તેનો નાશ કરીને પોતાના હાથ યોગ્ય રીતે સેનેટાઈઝ કરતા રહે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, હાથને સાબુથી મસળીને ધોવા કે આલ્કોહોલ યુકત સેનિટાઈઝરથી તેને ૨૦ સેકન્ડ સુધી ધોવાથી જ તે સંપૂર્ણપણે વાયરસમુકત બને છે. યુનિ. ઓફ ન્યૂ સાઉથ વેલ્સના ઈન્ફેકશન એકસપર્ટ ડો. મેરી લૂઈસ જણાવે છે કે સ્કીન કરતા ગ્લવ્સ પર જર્મ્સ વધુ સમય ટકી રહે છે. બીજી સમસ્યા એ છે કે હાથમોજાં પહેરી લોકો નિશ્ચિત થઈ જાય છે અને હાથ યોગ્ય રીતે ધોવાનું ટાળે છે. તેના કારણે ઈન્ફેકશનનો ખતરો ઓર વધી જાય છે.

હવામાં કોરોના વાયરસ ત્રણ કલાક જેટલો સમય ટકી શકે છે. જોકે, એક કોરોના પોઝિટિવ વ્યકિત છીંક કે ઉધરસ ખાય ત્યારે તે બીજા કોઈને ચેપ લગાડી શકે તેટલી માત્રામાં વાયરસ ફેલાવે છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકયું. કાગળ, કપડાં, ઓશિકા, પડદાં જેવી વસ્તુઓ પર કોરોના વાયરસ ૨૪ કલાક જેટલો સમય ટકી શકે છે. અત્યારસુધી થયેલા રિસર્ચમાં સાબિત થઈ ચૂકયું છે કે ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટીલ, બારણાના હેન્ડલ જેવી હાર્ડ સરફેસ પર આ વાયરસ ૭૨ કલાક જેટલો સમય ટકી શકે છે, અને આ સપાટીઓ પર જ તેની ઈન્ફેકશન ફેલાવવાની ક્ષમતા વધી જાય છે.

(3:55 pm IST)